મોસ્કો પહોંચેલા PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત

મોસ્કોઃ વડા પ્રધાન મોદી સોમવારે રશિયા પહોંચ્યા હતા. સતત ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી દ્વિપક્ષી યાત્રા છે. તેઓ રશિયા સાથે ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેવાના છે.  યુક્રેન યુદ્ધ પછી આ તેમની રશિયાની પહેલી મુલાકાત છે. મોસ્કો એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ ડેપ્યુટી PM ડેનિસ મન્ટુરોવે તેમનું સ્વાગત કર્યું હતું. એ દરમ્યાન રશિયાના કેટલાય નેતાઓ અને સૈન્ય અધિકારી ત્યાં હાજર હતા. મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પણ હાજર હતા.

PM મોદી રશિયાની બે દિવસની મુલાકાતે છે. તેઓ મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. આ શિખર સંમેલનના ત્રણ વર્ષ પછી થઈ રહ્યું છે. કોરોના રોગચાળાને પગલે એ ત્રણ વર્ષ સુધી ટાળવામાં આવતું હતું.

બંને દેશો વચ્ચે વેપારનો વિસ્તાર થયો છે. તે લગભગ 65 અબજ ડોલર્સને પાર થયો છે. ક્રૂડ એનર્જી માટે રશિયા ભારત માટે મહત્ત્વનો સ્રોતો પૈકીનો એક દેશ છે.

 યુક્રેનમાં સંઘર્ષની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે શિખર વાટાઘાટ માટે રવાના થતાં પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્ર માટે સહયોગાત્મક ભૂમિકા નિભાવવા ઇચ્છે છે.PM મોદી બે દિવસની યાત્રામાં ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે. છેલ્લાં 40 વર્ષોમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી ઓસ્ટ્રિયા યાત્રા હશે. મોદી અને પુતિન મંગળવારે 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં વેપાર, એનર્જી અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધોના વિસ્તરણ કરવા પર વિચારવિમર્શ કરશે. જોકે ભારત અને રશિયાની વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લાં 10 વર્ષોમાં વધી છે, જેમાં ઊર્જા, સુરક્ષા, વેપાર, મૂડીરોકાણ, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન અને લોકોના સંપર્ક વગેરે ક્ષેત્રો સામેલ છે.