વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ અઠવાડિયે અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ અને એપલ કંપનીના વડા ટીમ કૂકને મળે એવી ધારણા છે. મોદીની અમેરિકા યાત્રા ખૂબ વ્યસ્ત રહેવાની છે. તેઓ શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં હાજરી આપવાના છે.
વડા પ્રધાન 22 સપ્ટેમ્બરના બુધવારે વોશિંગ્ટન ડી.સી. પહોંચશે અને તે પછીની સવારે અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓ, સીઈઓ સાથે બેઠક કરશે. કમલા હેરિસ તથા ટીમ કૂક સાથેની એમની મુલાકાતને હજી સુધી સત્તાવાર રીતે સમર્થન મળ્યું નથી. અમેરિકાની યાત્રા દરમિયાન મોદી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્ટોક મોરિસન અને જાપાનના વડા પ્રધાન યોશિહીદે સુગાને પણ મળશે. જૉ બાઈડને અમેરિકામાં પ્રમુખપદ સંભાળ્યું તે પછી એમની સાથે મોદીની આ પહેલી જ વ્યક્તિગત દ્વિપક્ષીય બેઠક હશે. બંને નેતા 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વાડ શિખર સંમેલનમાં મળવાના છે. મોદી 24 સપ્ટેમ્બરે જ ન્યૂયોર્ક જશે જ્યાં 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિની બેઠકમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે.