લંડનઃ આતંક પ્રભાવિત દેશોમાં માનવીય સહાયતા માટે જે મસમોટી રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે, એનું તાજું ઉદાહરણ પેલેસ્ટિન અને ગાઝા પટ્ટીમાં સામે આવ્યું છે. ત્યાંના યુવકોના શિક્ષણ માટે આપવામાં આવેલા રૂપિયાથી તેમને આતંકવાદ અને જેહાદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ બાબતના ખુલાસા પછી આ મદદને રોકવાની માગ થઈ રહી છે.
યુવકોનું બ્રેઇન વોશ
પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકોને ગણિત શીખવાડવા માટે માર્યા ગયેલા આતંકવાદીઓની ગણતરી કરાવવામાં આવી રહી છે. ફિઝિક્સના પુસ્તકમાં ન્યૂટનનો ત્રીજો નિયમ બતાવવા માટે વિધર્મીઓ (ક્રિશ્ચિયનો અને હિન્દુઓ) એટલે કે ઇસ્લામને ન માનનારાને ગલોલ મારવાના દાખલા આપવામાં આવે છે. આનાથી એ માલૂમ પડે છે કે પેલેસ્ટિન. ગાઝા પટ્ટી અને વેસ્ટ બેન્કમાં બાળકો-યુવકોમાં અન્ય ધર્મોને માનવાવાળા વિશે કેટલું કટ્ટરવાદનું ઝેર ભરવામાં આવી રહ્યું છે.
બ્રિટનની વેબસાઇટ ડેઇલી મેલ ઓનલાઇનના જણાવ્યા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પેલેસ્ટિન અને ગાઝાપટ્ટીને આપવામાં આવી રહેલી મદદમાં બ્રિટનના કરદાતાઓના પણ રૂપિયા લાગેલા છે. જેથી આ મદદ પર પ્રતિબંધ લગાવવાની માગ થઈ રહી છે. એના માટે અન્ય દેશોનાં ઉદાહરણ પણ આપવામાં આવી રહ્યાં છે, જેમણે પેલેસ્ટિનને માનવીય સહાયતા દેવાનો ઇનકાર કર્યો છે.
ખૂન અને બલિદાનની કવિતા
પેલેસ્ટિન, ગાઝાપટ્ટી અને વેસ્ટ બેન્કમાં આઠ વર્ષનાં બાળકો માટે એક કવિતામાં એવું લખવામાં આવ્યું છે કે જે તેના અપરિપક્વ મન પર ખરાબ છાપ પાડે. આ કવિતામાં પોતાના લોહીનું બલિદાન આપવું, પોતાના દેશ પર કબજો કરવાવાળાઓને ખતમ કરવું અને વિદેશીઓનું અસ્તિત્વ મિટાવી દેવું જેવા શબ્દપ્રયોગોનો ઉપયોગ થાય છે.