મલેશિયાના વડાપ્રધાને અચાનક આપ્યું રાજીનામુંઃ રાજકીય સંકટ

કુઆલાલંપુરઃ મલેશિયામાં વડાપ્રધાન મહાતિર મોહમ્મદે અચાનક રાજીનામું આપતા અહીં રાજકીય સંકટ ઊભું થયું છે. મલેશિયાના વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાજકીય વિરોધીઓ તરફથી સરકાર પાડવાના પ્રયત્નો વચ્ચે વડાપ્રધાને પોતાનું રાજીનામું રાજાને સોંપી દીધું છે. મહાતતિર મે, 2018માં વડાપ્રધાન બન્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને મહાતિર વચ્ચે ગાઢ મિત્રતા છે. મતાહિરે કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ ભારત અને મલેશિયા વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થયો હતો. ભારતે મલેશિયાથી પામ ઓયલની આયાતમાં ઘટાડો કરી દીધો હતો.

સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે મહાતિરની પાર્ટી બેરાસ્તુએ સંયુક્ત સરકારના ગઠબંધનને છોડી દીધું છે. જેથી તેમણે રાજીનામું આપવું પડ્યું છે. વિશ્વના સૌથી વયોવૃદ્ધ નેતા, 94 વર્ષના મહાતિરે તેના રાજકીય વિરોધીઓ દ્વારા સરકાર પાડવાના પ્રયત્નો બાદ આ નિર્ણય કર્યો છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, મહાતિરે વડાપ્રધાન પદેથી પોતાનું રાજીનામું મોકલી દીધું છે.

મહાતિરની મલેશિયાની રાજનીતિમાં એક મોટી દખલ રહી છે. અહીંની રાજનીતિ પર તેમની મજબૂત પકડ છે. વર્ષ 1981થી લઈને વર્ષ 2003 સુધી મહાતિર મોહમ્મદ દેશના વડાપ્રધાન રહ્યાં હતા. ત્યારબાદ તેમણે ફરી વર્ષ 2018માં સત્તા સંભાળી હતી. વર્ષ 2018ની ચૂંટણીમાં તેમણે નજીબ રઝાકને હરાવ્યા હતા. રજાક પર તે સમયે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા.