ભારત હુમલો કરશે એવા ડરથી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ભયભીત

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાં અને વલણથી પાકિસ્તાન સરકાર સ્પષ્ટપણે ડરી ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું છે કે ભારત પાકિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાન સંપૂર્ણપણે સતર્ક છે. તેમણે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાનના અસ્તિત્વ માટે સીધો ખતરો ઊભો થશે, તો જ આપણે આપણા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું. આ અગાઉ સિંધુ જળ સંધિ પર ભારતના નિર્ણયથી ડરતા ખ્વાજા આસિફે ભારત પર પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનો આરોપ લગાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતના કડક વલણ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે  કહ્યું હતું કે તેઓ પહેલગામમાં ૨૬ લોકોની હત્યાની કોઈ પણ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે તૈયાર છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફનું આ નિવેદન વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા અને પાકિસ્તાન સરકારમાં પ્રવર્તી રહેલા ભય અને અસલામતીના ભાવને દર્શાવે છે. ભારતના કડક વલણ બાદ પાકિસ્તાન સ્પષ્ટપણે દબાણ હેઠળ આવી ગયું છે અને સંભવિત સૈન્ય કાર્યવાહીના ખતરાને લઈને એલર્ટ પર છે.