2022માં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા 28% વધ્યા હતા

ઈસ્લામાબાદઃ પાછલા વર્ષની સરખામણીમાં વીતી ગયેલા 2022ના વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં 28 ટકાનો વધારો નોંધાયો હતો. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડિઝ સંસ્થાએ બહાર પાડેલા અહેવાલમાં જણાવ્યાનુસાર, ગયા વર્ષમાં આતંકવાદીઓએ 376 હુમલા કર્યા હતા. એમાં 533 જણ માર્યા ગયા હતા અને બીજાં 832 જણ ઘાયલ થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં 2022નો આંક સૌથી ઉંચો છે. દેશમાં ગયા વર્ષમાં થયેલા કુલ હુમલાઓમાંના 44 ટકા એકલા ડિસેમ્બર મહિનામાં થયા હતા. બલુચિસ્તાનમાં હુમલાઓમાં 88 ટકાનો વધારો થયો છે જ્યારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં 54 ટકા હુમલા વધ્યા હતા.

મોટા ભાગના હુમલાની જવાબદારી તેહરીક-એ-તાલીબાન અને બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી હતી. આ બે પ્રતિબંધિત સંગઠનોએ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન લશ્કર સામે મોટા પડકારો ઊભા કર્યા છે. ગયા મહિનામાં સુરક્ષા દળોએ 16 ઓપરેશન હાથ ધર્યા હતા. એન્કાઉન્ટરમાં તેમણે 39 આતંકવાદીઓને મારી નાખ્યા હતા અને 47ની ધરપકડ કરી હતી.