પાકિસ્તાને કર્યો વિદેશ નીતિમાં બદલાવ, સાઉદી અરેબિયામાં તહેનાત કરશે સૈનિકો

ઈસ્લામાબાદ- પાકિસ્તાને તેની વિદેશ નીતિમાં મોટો બદલાવ કરવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત સાઉદી અરેબિયામાં સૈનિકોને દ્વિપક્ષીય સુરક્ષા આપવા અને સહયોગ આપવા પાકિસ્તાને સૈનિકો તહેનાત કરવાનો નિર્ણય કર્યો છે. રાવલપિંડી સ્થિત સેના મુખ્યાલયમાં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને પાકિસ્તાનમાં સાઉદી અરબના રાજદૂત સઈદ અલ મલિકી વચ્ચે યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાની સેનાએ આ નિર્ણય કર્યો છે.પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાન સાઉદી અરેબિયા સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ ચાલુ રાખશે, જે અંતર્ગત પાકિસ્તાન સૈનિકોની એક ટુકડીને સાઉદી અરેબિયા મોકલશે. આ સૈનિકો અને આ અગાઉ સાઉદી અરેબિયા મોકલવામાં આવેલા સૈનિકોને સાઉદી અરેબિયાની બાહર તહેનાત કરવામાં આવશે નહીં.

પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, સાઉદી અરેબિયા ઉપરાંત પણ પાકિસ્તાન ખાડીના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ વધારવા પર કામ કરી રહ્યું છે. એક નિવેદનમાં સેનાના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાધ્યક્ષ જનરલ કમર બાજવા અને સાઉદી અરેબિયાના રાજદૂત વચ્ચે યોજાયેલી બેઠકમાં પરસ્પર હિત સાથે ક્ષેત્રીય સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે સાઉદી અરેબિયામાં આશરે એક હજાર પાકિસ્તાની સૈનિકો તહેનાત કરવામાં આવશે, જેમને અલગ-અલગ ભૂમિકા સોંપવામાં આવશે. જોકે નવા તહેનાત કરવામાં આવનારા સૈનિકોની સંખ્યા એક ડિવીઝન કરતાં ઓછી હશે તેમ સેનાના પ્રવક્તાના હવાલેથી માહિતી આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી હવે પછી આપવામાં આવશે.