કોહલીની 35મી સદી; ભારતનો 5-1થી શ્રેણીવિજય…

વિરાટ કોહલી અને એના સાથીઓએ દક્ષિણ આફ્રિકાને એની જ ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં 5-1થી કારમો, શરમજનક પરાજય ચખાડીને ઈતિહાસ સર્જ્યો છે. 16 ફેબ્રુઆરી, શુક્રવારે સેન્ચુરિયનમાં રમાઈ ગયેલી છઠ્ઠી અને સિરીઝની આખરી વન-ડે મેચમાં ભારતીય ટીમે 8-વિકેટથી વિજય મેળવ્યો હતો. આ વિજયનો સૂત્રધાર હતો કેપ્ટન કોહલી, જે 129 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 296મી મેચ રમનાર કોહલીએ કારકિર્દીમાં આ 35મી સદી ફટકારી હતી. કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ આપ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 46.5 ઓવરમાં 204 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે માત્ર બે જ વિકેટ ગુમાવીને 32.1 ઓવરમાં 206 રન કરીને મેચ જીતી લીધી હતી. કોહલીએ 82 બોલમાં સદી પૂરી કરી હતી અને અંતે 96 બોલમાં 129 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એમાં 19 બાઉન્ડરી અને બે સિક્સરનો સમાવેશ થાય છે. 99 રનના વ્યક્તિગત સ્કોર પર ચોગ્ગો ફટકારીને એણે પોતાની શાનદાર સદી પૂરી કરી હતી. અજિંક્ય રહાણે 34 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રોહિત શર્મા 15 અને શિખર ધવન 18 રન કરીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાના દાવમાં, ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે 8.5 ઓવરમાં 52 રન આપીને સૌથી વધુ, ચાર વિકેટ લીધી હતી. અન્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ મેળવી હતી. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને મધ્યમ ઝડપી બોલર હાર્દિક પંડ્યા એક-એક બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ધરતી પર આ પહેલી જ વાર વન-ડે સિરીઝ વિજય હાંસલ કર્યો છે. વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે સમગ્ર સિરીઝમાં ત્રણ સેન્ચુરીની મદદથી 558 રન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]