પાકિસ્તાને બંધ કર્યું કરાચી એરસ્પેસ, મિસાઈલ ટેસ્ટિંગની તૈયારીમાં

ઈસ્લામાબાદ- જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાઈ ગયું છે. પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચાપલૂસી કરી જોઈ પરંતુ રાગ નહી આવતાં હવે પાકિસ્તાન અન્ય વિકલ્પ શોધીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. સંપૂર્ણ રીતે બોખલાઈ ગયેલા પાકિસ્તાને ફરી એક વખત પોતાના એરસ્પેસને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે કરાંચી એરસ્પેસને આગામી ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. એટલુ જ નહીં પાકિસ્તાન બંને દેશો વચ્ચેના તણાવને પગલે પોતાની તૈયારી દેખાડવા માટે મિસાઈલ ટેસ્ટિંગ પણ કરવા જઈ રહ્યું છે.

પાકિસ્તાને મિસાઈલ ટેસ્ટિંગને લઈને તેમના એરમેન અને નેવીને એલર્ટ જાહેર કર્યું છે. આ મિસાઈલ ટેસ્ટિંગ પણ કારચીના એરસ્પેસમાં જ થશે. તો બીજી તરફ પાકિસ્તાનના રેલવે પ્રધાને ભારત-પાક વચ્ચે સંભવિત યુદ્ધની તારીખની પણ જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે(CAA) બુધવારે એક NOTAM જાહેર કર્યું છે. જેમાં કહેવાયું છે કે કરાચી હવાઇ ક્ષેત્રના ત્રણ માર્ગ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. NOTAM પ્રમાણે બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને કરાચીના હવાઇ ક્ષેત્રમાં ત્રણ માર્ગોથી વિમાન ન પસાર થવા માટે કહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રાધિકરણે એક વૈકલ્પિક માર્ગ પણ બતાવ્યો છે.

પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદે એક સેમિનારમાં કહ્યું હતું કે,એ ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત હું ઑક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થતું જોઇ રહ્યો છું અને હું આજે અહીં કોમને તૈયાર કરવા માટે આવ્યો છું. શેખે કહ્યું કે, પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે, તે દેખાડવા માટે નથી પરંતુ ઉપયોગ કરવા માટે છે. પોતાના સંબોધનમાં પાકિસ્તાની પ્રધાને કહ્યું કે, અમે સંયુકત રાષ્ટ્રની સામે વારંવાર આ મુદ્દાને ઉઠાવીશું, તેઓ ફરી એકવખત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત કરશે. શેખ રશીદે કહ્યું કે પાકિસ્તાન છેલ્લાં શ્વાસ સુધી કશ્મીર માટે લડતું રહેશે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે અને કહ્યુ છે કે, વિશ્વનો જો કોઈ દેશ પાકિસ્તાનનો સાથ નહીં આપે તો પાકિસ્તાન લોહીના અંતિમ બુંદ સુધી પોતાની લડાઈ એકલા હાથે લડશે.