જૂન ક્વાર્ટરમાં આવકની દ્રષ્ટિએ જિઓ ટોચના સ્થાને, એરટેલ બીજા ક્રમ પર

નવી દિલ્હી- ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દ્રષ્ટિએ રીલાયન્સ જિઓએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ રાખી દીધી છે. એટલું જ નહીં કંપનીએ વાણિજ્યિક કામગીરી શરૂ કર્યાનાં ત્રણ વર્ષની અંદર ચાલુ વર્ષનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 10,900 કરોડની કમાણી કરીને ટેલીકોમ સેવાઓમાંથી સૌથી વધુ કમાણી કરનારી કંપની એટલે કે નંબર 1 ઓપરેટર બની ગઈ છે.

ટ્રાઇના જણાવ્યાં મુજબ, એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાની ટેલીકોમ સેવાઓમાંથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (એજીઆર) અનુક્રમે રૂ. 10,701.5 કરોડ અને રૂ. 9,808.92 કરોડ હતી. આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે એનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે,“રિલાયન્સ જિઓની એજીઆર (એનએલડી સહિત) વાર્ષિક ધોરણે 9 ટકા વધીને રૂ. 10,900 કરોડ થઈ હતી અને આ રીતે આવકની દ્રષ્ટિએ નંબર 1 ઓપરેટર બની ગઈ છે. ત્રિમાસિક ધોરણે આવકમાં 5.2 ટકાની વૃદ્ધિની સરખામણીમાં એજીઆરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે, જે માટે ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જીસ પર નુકસાનમાં ઘટાડો જવાબદાર છે. આ ઘટાડો ઓછી સુલભતા અને રોમિંગ ચાર્જીમાં જોવા મળે છે.” આ રીતે રિલાયન્સ જિઓ ટેલીકોમ સેવાઓમાંથી એજીઆરનો 31.7 ટકા બજાર હિસ્સો ધરાવે છે. આ દ્રષ્ટિએ ભારતી એરટેલે 30 ટકા બજારહિસ્સો જાળવી રાખ્યો છે, ત્યારે વોડાફોન આઇડિયાનો બજાર હિસ્સો ઘટીને 28.1 ટકા થયો છે.

 

ઉદ્યોગનાં એજીઆર રિપોર્ટ કાર્ડ પર આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝે જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ વિસ્તૃત આધાર ધરાવે છે, જેમાં એકમાત્ર મુંબઈ સર્કલની એજીઆરમાં ઘટાડો થયો છે (વાર્ષિક ધોરણે 8 ટકાનો ઘટાડો) અને રાજસ્થાન સર્કલે એજીઆરમાં વાર્ષિક ધોરણે 28.5 ટકાની સૌથી વધુ કરી છે અને એની એજીઆર રૂ. 1,500 કરોડ થઈ છે.

ઉદ્યોગનાં સમીક્ષકોએ નોંધ્યું હતું કે, એજીઆરની દ્રષ્ટિએ જિઓ 14 સર્કલમાં, એરટેલ ત્રણ સર્કલમાં અને વોડાફોન આઇડિયા 5 સર્કલમાં નંબર 1 હતી. આ જ ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ જિઓ દેશમાં 33.13 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર બની ગઈ હતી, જેણે વોડાફોન આઇડિયાને પાછળ પાડી દીધી છે. વોડાફોન આઇડિયા જૂન, 2019નાં અંતે 32 કરોડ સબસ્ક્રાઇબર ધરાવતી હતી. જિઓ અત્યારે 34 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર ધરાવે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]