ઈસ્લામાબાદ- ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ તેના પ્રથમ સંબોધનમાં દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજના અંગે માળખું રજૂ કર્યું હતું. ઈમરાન ખાને જે યોજના રજૂ કરી તેમાંથી ઘણી યોજના એવી છે જે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આપને જણાવીએ કે, ઈમરાન ખાને પીએમ મોદીની કઈ યોજનાઓની કોપી કરી છે.સ્વચ્છ ભારતની જેમ ઈમરાને સાફ પાકિસ્તાનની યોજના કરી છે. ઈમરાનના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા દેશને સ્વચ્છ રાખવો જરુરી છે. આગામી પાંચ વર્ષમાં ઈમરાને પાકિસ્તાનની જનતાને અપીલ કરી છે કે, દેશને સ્વચ્છ બનાવે.
ભારતની આયુષ્યમાન યોજનાની જેમ મફતમાં હેલ્થ ઈન્શ્યોરન્સ આપશે ઈમરાન ખાન. ઈમરાને તેના ભાષણમાં જણાવ્યું કે, પાકિસ્તાનની સામાન્ય જનતાના પરિવારને 5 લાખ પાકિસ્તાની રુપિયા સુધી મફત ઈલાજ ઉપલબ્ધ કરાવશે. આ માટે ઈમરાન સરકાર હેલ્થ કાર્ડ ઈશ્યૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આયુષ્યમાન યોજના અંતર્ગત દરેક ગરીબ પરિવારને 5 લાખ રુપિયાનો વાર્ષિક ઈલાજ મફતમાં થઈ શકે તેવી મોદી સરકારે જાહેરાત કરી છે.
પાકિસ્તાનના વડાપ્રધાને દેશના દરેક પરિવારને ઘર આપવાનું વચન આપ્યું છે. ઈમરાનના જણાવ્યા મુજબ આ માટે આગામી વર્ષોમાં તેમની સરકાર 50 લાખ નવા મકાન બનાવશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોદી સરકાર પહેલેથી જ આ પ્રકારની યોજના પર કામ કરી રહી છે.
ઈમરાન ખાને તેના ભાષણમાં પીવાના પાણીની સમસ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની સરકાર એ સુનિશ્ચિત કરશે કે, પાકિસ્તાનના દરેક નાગરિકને પીવાનું સાફ પાણી મળી રહે. ભારતમાં મોદી સરકાર પહેલેથી જ દેશના ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે સ્વજલ યોજના પર કામ કરી રહી છે.
પાકિસ્તાનમાં વધી રહેલી બેરોજગારી પર કાબૂ મેળવવા ઈમરાન ખાને યોજના રજૂ કરી છે. તેમણે જણાવ્યું કે, પોતાનો વ્યવસાય શરુ કરવા તેમની સરકાર વ્યાજ મુક્ત લોન આપશે. આ માટે ઈમરાન ખાને પાકિસ્તાનની જનતાને ઈમાનદારીથી ટેક્સ ચૂકવવા અપીલ કરી છે. ભારતમાં પણ મોદી સરકાર મુદ્રા યોજના અંતર્ગત યુવાનોને ગેરંટી ફ્રી લોન ઉપલબ્ધ કરાવી રહી છે.
પાકિસ્તાનની ગણતરી વિશ્વના એવા દેશોમાં કરવામાં આવે છે જ્યાં યુવાઓ પાસે રોજગારની તકનો અભાવ છે. જેનું સૌથી મોટું કારણ યોગ્ય શિક્ષણનો અભાવ છે. ઈમરાન ખાનના જણાવ્યા મુજબ તેની સરકાર યુવાનોમાં સ્કીલ ડેવલપ કરવા વિશેષ યોજનાની શરુઆત કરશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં મોદી સરકારે સ્કીલ ઈન્ડિયા અંતર્ગત આ પ્રકારની યોજના ઘણા લાંબા સમયથી અમલમાં મુકી છે.