કશ્મીર મુદ્દે પરમાણુ બોમ્બની ધમકી, હવે ઈમરાનના વિદેશપ્રધાને આલાપ્યો ‘શાંતિ રાગ’

ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરેશીએ આજે ઈદના પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં કુરેશીએ ફરીવાર કશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કશ્મીર મુદ્દાનું સમાધાન ચર્ચાથી લાવવામાં આવશે.શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે, કશ્મીરમાં લોકોની હત્યા કરવામાં આવી રહી છે. વધુમાં કુરેશીએ કહ્યું કે, કશ્મીરની સ્થિતિ બાકી દુનિયાથી અલગ છે અને એ વાસ્તવિકતા છે. કશ્મીરમાં જે રાજકીય આંદોલન ચાલી રહ્યું છે તે માનવાધિકારના મુદ્દે ચાલી રહ્યું છે. તેનાથી દુનિયા પરિચિત છે.

કુરેશીએ ભારત પર આરોપ લગાવતા કહ્યું કે, ‘હિન્દુસ્તાનમાંથી ઘણા અવાજ ઉઠી રહ્યાં છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, અમારી નીતિઓ સફળ નથી રહી. આ પ્રકારના અવાજ ઉઠાવનારાઓમાં રાજકારણીઓ પણ સામેલ છે’.

કુરેશીએ કહ્યું કે, ‘અમારો પ્રયાસ છે કે, બન્ને દેશો વચ્ચે કશ્મીર મામલાનું ચર્ચા દ્વારા સમાધાન લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કુરેશીએ પત્રકારો સાથે મુલાકાત દરમિયાન ભારત અને કશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો.

આપને જણાવી દઈએ કે, વિદેશપ્રધાનની જવાબદારી સંભાળતાની સાથે જ શાહ મહમૂદ કુરેશી ભારત મુદ્દે બોલવા દરમિયાન પરમાણુ બોમ્બની ધમકી પણ ઉચ્ચારી ચુક્યા છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ કુરેશીએ તેના ભાષણમાં ભારતના વિદેશપ્રધાનને સંબોધીને કહ્યું હતું કે, ‘અમે ફક્ત પાડોશી દેશ નથી પરંતુ પરમાણુ શક્તિ પણ છીએ’. જોકે આજે પાકિસ્તાનના વિદેશપ્રધાને તેની વાતોથી વિપરીત કશ્મીરને લઈને ચર્ચા અને શાંતિનો રાગ આલાપ્યો હતો.