ઈસ્લામાબાદ- પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ પાર્ટીના (PTI) અધ્યક્ષ ઈમરાન ખાન દ્વારા જાહેર કરવામાં આવેલી શપથ વિધિની તારીખ નજીક આવી રહી છે. જોકે, હજી પણ ઈમરાન ખાનના વડાપ્રધાન બનવા પર સંકટના વાદળો ઘેરાયેલા છે.આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન ચૂંટણી પ્રચાર દરમિયાન અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવા માટે હાલમાં આચાર સંહિતાના ઉલ્લંઘનના કેસનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં જો પાકિસ્તાન ચૂંટણી પંચ તેમને દોષિત ઠેરવશે તો ઈમરાન ખાનને તમામ બેઠકોમાંથી ગેરલાયક ઠેરવવામાં આવશે.
જોકે, ઈમરાન ખાનની મોટી સફળતા અને વર્તમાન રાજકીય વાતાવરણને જોતાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેમને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ચૂંટણી પંચે ઈમરાન ખાનને નેશનલ એસેમ્બલીના સદસ્યની શપથ લેવાની પરવાનગી પણ શરતોને આધીન આપી છે. ચૂંટણી પંચે ઈમરાન ખાનની બે બેઠકો પરની જીતને મુલતવી રાખી છે અને તેમને અન્ય ત્રણ બેઠકો પરથી વિજયી જાહેર કર્યા છે. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન પાંચ બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને તમામ બેઠકો ઉપથી જીત્યા હતા.
ઈમરાન ખાનની પાર્ટી PTIને પાકિસ્તાનની ચૂંટણીમાં સૌથી વધુ 115 બેઠકો મળી છે. તેમ છતાં સ્પષ્ટ બહુમતના આંકડાથી હજી પણ ઈમરાન ખાન દૂર છે. જોકે, પોતાને નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સહયોગ હોવાનો ઈમરાન ખાને દાવો કર્યો છે.