રશિયાની આર્મી સ્કૂલમાં તાલીમ લેશે પાકિસ્તાની સૈનિક, ભારત માટે ચિંતાનો વિષય

ઈસ્લામાબાદ- પાકિસ્તાન અને રશિયા વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે. બન્ને દેશો વચ્ચે કરવામાં આવેલા કરાર મુજબ પાકિસ્તાની સૈનિકોને રશિયાની આર્મી સ્કૂલમાં તાલીમ આપવામાં આવશે. સ્વાભાવિક છે કે, આ કરારથી ભારતની ચિંતામાં વધારો થશે.પાકિસ્તાન અને રશિયાએ સંરક્ષણ ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા માટે આ કરાર કર્યા છે. મહત્વનું છે કે, રશિયાને ભારતનું સદાબહાર મિત્ર માનવામાં આવે છે. પરંતુ ગત કેટલાક વર્ષોમાં રશિયાની પાકિસ્તાન તરફની નિકટતા વધી રહી છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ ગત રોજ રશિયા-પાકિસ્તાન સંયુક્ત લશ્કરી સલાહકાર સમિતિની (JMCC) પ્રથમ બેઠક પુરી થયા બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ‘બન્ને દેશોએ પાકિસ્તાની સૈનિકોની રશિયન તાલીમ કેન્દ્રમાં દાખલ થવાને લઈને કરાર પર હસ્તાક્ષર કર્યા છે’. રશિયા તરફથી આ બેઠકમાં નાયબ સંરક્ષણ પ્રધાન કર્નલ જનરલ એલેક્ઝાન્ડર ફોર્મિન હાજર રહ્યા હતાં. જેઓ 6-7 ઓગસ્ટે પાકિસ્તાનના પ્રવાસે હતા. ઉલ્લેખનીય છે કે, JMCC એ પાકિસ્તાન અને રશિયા વચ્ચે સંરક્ષણ સહકાર માટેનો સૌથી મોટો મંચ છે.

પાકિસ્તાન રશિયા સાથે લશ્કરી સહયોગ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ વર્ષની શરુઆતમાં જ પાકિસ્તાનના તત્કાલિન વિદેશ પ્રધાન ખ્વાજા આસિફ રશિયાના પાટનગર મોસ્કોની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે લશ્કરી સહકાર વધારવા સહમતિ બની હતી. છેલ્લા ત્રણ વર્ષમાં રશિયાએ પાકિસ્તાનને 4 MI-35M ફાઈટર અને કાર્ગો હેલિકોપ્ટર આપ્યા છે. ઉપરાંત બન્ને દેશોએ મિત્રતાનો હવાલો આપીને લશ્કરી કવાયત પણ હાથ ધરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]