લાહૌર: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને માનહાનીના (બદનક્ષી) એક કેસમાં પાકિસ્તાન કોર્ટે નોટીસ પાઠવી છે. હકીકતમાં કોર્ટમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ શાહબાઝ શરીફે ઇમરાન ખાન વિરુદ્ધ માનહાનીનો કેસ નોંધાવ્યો હતો. વડાપ્રધાને એપ્રિલ 2017માં શાહબાઝ પર લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. ઇમરાને કહ્યું હતું કે, શાહબાઝે તેમને 61 મિલિયન ડોલરની લાંચ આપવાની ઓફર કરી હતી બદલામાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપર્સ કેસમાંથી હટાવી દેવાની માગ કરી હતી.
વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને પનામા પેપર્સ મામલે અયોગ્ય ઠેરવ્યા હતા. આ ઉપરાંત નવાઝ અને તેમના પરિવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના ત્રણ કેસ ચાલી રહ્યા છે. શાહબાઝ નવાઝ શરીફનો નાનો ભાઈ છે. પોતાની અરજીમાં શાહબાઝે જાહેરમાં છબી ખરાબ કરવા બદલ કોર્ટ સમક્ષ 61 મિલિયન ડોલરના વળતરની સાથે નોટીસ પાઠવવાની પણ માગ કરી છે.
મહત્વનું છે કે, 12 જૂને પાકિસ્તાન સરકાર દેશનું નવું બજેટ રજૂ કરવા જઈ રહી છે. વર્તમાનમાં દેશની આર્થિક સ્થિતિ સારી નથી. સરકાર આર્થિક વૃદ્ધિને વેગ આપવાના પ્રયત્નો કરી રહી છે.
