દેખાવકારો પર બળનો ઉપયોગ કરવા બદલ ટ્રમ્પ સામે કેસ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ગઈ કાલે કેસ નોંધવામાં આવ્યો છે. અમેરિકી નાગરિક અધિકારો માટે લડતાં સંગઠનોએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે આ કેસ વોશિંગ્ટનમાં નોંધાવ્યો છે. વ્હાઈટ હાઉસની સામે દેખાવો કરી રહેલા દેખાવકારો પર સુરક્ષા દળોએ ટિયર ગેસના ગોળા અને સ્મોક બોમ્બ છોડ્યા હતા. ત્યાર બાદ ટ્રમ્પની ખૂબ ટીકા થઈ રહી છે. આને લીધે જ તેમના પર આ કેસ નોંધવામાં આવ્યો છે.

સોમવારે ટ્રમ્પ વાઇટ હાઉસની પાસે આવેલા ચર્ચની સામે બાઇબલની સાથે ફોટો પડાવવા જઈ રહ્યા હતા. એ દરમ્યાન ત્યાં પ્રદર્શનમાં સામેલ અનેક પ્રદર્શનકારીઓ એકત્ર થઈ ગયા, જે પછી તેમને જ્યાંથી પરાણે ખસેડવા માટે ટિયર ગેસ અને પેપર બોલ્સ મારવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ અને એટર્ની જનરલ વિલિયમ બાર પર કેસ નોંધવામાં આવ્યો હતો.

અશ્વેતની હત્યાને લઈને પ્રદર્શનો

જોકે જન અધિકાર જૂથોએ આ કાર્યવાહીને દેખાવકારોના અધિકારોનું ઉલ્લંઘન જણાવ્યું છે. વાસ્તવમાં અમેરિકામાં પાછલા કેટલાક દિવસોમાં આ પ્રદર્શન પોલીસ હિરાસતમાં અશ્વેતની હત્યાને લઈને થઈ રહ્યા છે.

વોશિંગ્ટનમાં સૈનિકો તહેનાત કરાયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશની રાજધાનીમાં નેશનલ ગાર્ડના સૈનિકો અને અધિકારીઓને ભારે સંખ્યામાં તહેનાત કરવાનું શ્રેય લેતાં કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોને કચડવા માટે એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે સોમવાર રાત્રે વ્હાઈટ હાઉસની બહાર આકરી કાર્યવાહીને રાષ્ટ્રપતિએ સમર્થન આપ્યું છે, જે દેશની રાજધાનીમાં આક્રમક કાર્યવાહી કરીને દેશ માટે એક ઉદાહરણ રજૂ કરવા ઇચ્છતા હતા.

કાનૂન વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર

ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તમારે વર્ચસ કાયમ રાખવા માટે સુરક્ષા દળોને રાખવા પડશે. આપણે કાનૂન વ્યવસ્થા જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આ બધી જગ્યાએ જ્યાં સમસ્યાઓ સર્જાઈ છે, ત્યાં રિપબ્લિકનનું શાસન નથી. ત્યાં ઉદારવાદી ડેમોક્રેટિક સત્તાનું શાસન છે.

જરૂર પડ્યે વધુ સૈનિક તહેનાત કરવાની યોજના

સંરક્ષણ વિભાગે જરૂર પડ્યે વધુ સૈનિક તહેનાત કરવાની યોજના બનાવી છે. પેન્ટાગોનના દસ્તાવેજોનું અવલોકન કરતાં એ માલૂમ પડ્યું હતું કે દેશની રાજધાનીમાં પરિસ્થિતિ બગડવા પર અને નેશનલ ગાર્ડ દ્વારા સુરક્ષા નહીં કરવાની સ્થિતિમાં થલ સેનાના એક ડિવિઝનથી સૈનિકોને વ્હાઈટ હાઉસ અને અન્ય સરકારી ઓફિસોની સુરક્ષામાં તહેનાત કરવાની યોજના છે.