દાઉદ ઇબ્રાહિમ, પત્નીને કોરોના થયો; કરાચીની હોસ્પિટલમાં સારવાર હેઠળ

કરાચીઃ વિશ્વના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને કોરોના થયો છે. એને કારણે દાઉદના સુરક્ષા ચોકિયાતો તથા અન્ય સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહઝબીનનો ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દાઉદને અને તેની પત્નીને કરાચીની એક મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કરાચીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે પાકિસ્તાન સરકાર દ્વારા આ વાતનો સતત ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ આ ન્યૂઝ સંપૂર્ણ રીતે સાચા છે અને દાઉદની પત્નીને સારવાર મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

દાઉદ પાકિસ્તાનમાં જ છે

દાઉદ ઇબ્રાહિમ પોતાના પરિવાર સાથે ઘણા સમયથી પાકિસ્તાનમાં છુપાયો છે. ભારત અનેક વાર આના પુરાવા આપી ચૂક્યું છે તેમ છતાં પાકિસ્તાન ઇનકાર કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાઇરસ હવે દાઉદ ઇબ્રાહિમના ઘરે સુધી પહોંચી ગયો છે.

દાઉદ – ભારતનો દુશ્મન

દાઉદ ભારતનો સૌથી મોટો દુશ્મન છે. 1993ના માર્ચમાં મુંબઈમાં કરાયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકાઓનો માસ્ટરમાઇન્ડ દાઉદ છે. દાઉદની પત્નીનું નામ મહઝબીન ઉર્ફે ઝુબિના ઝરીન છે. દાઉદ અને ઝુબિનાને ચાર સંતાન છે – ત્રણ પુત્રી – માહરુખ, માહરિન અને મારિયા. પુત્રનું નામ મોઇન છે.