‘નાગિન 5’ની હિરોઈન? દિવ્યાંકા ત્રિપાઠીનો આ છે જવાબ…

મુંબઈઃ ટીવી સિરિયલ નિર્માત્રી એકતા કપૂરે ‘કલર્સ’ ચેનલ પર ‘નાગિન 5’ સિરિયલ બનાવવાની જ્યારથી જાહેરાત કરી છે ત્યારથી આ સિરિયલની મુખ્ય અભિનેત્રી તરીકે કોણ ચમકશે એ વિશે સોશિયલ મિડિયા પર જાતજાતની અટકળો થઈ રહી છે.

‘નાગિન 5’ની એક ઝલક હાલમાં રિલીઝ કરવામાં આવી હતી. naagintv_series નામના હેન્ડલ પર તે તસવીર અપલોડ કરવામાં આવી હતી. એને કારણે ટીવી સિરિયલના ચાહકોમાં સનસનાટી મચી ગઈ છે. આ તસવીર મુક્તા ધોંડની ઈન્સ્ટા સ્ટોરી સાથે મૂકવામાં આવી છે. મુક્તા ‘નાગિન 4’નાં ક્રિએટીવ ડાયરેક્ટર છે.

નિયા શર્મા, વિજયેન્દ્ર કુમેરિયા અને રશ્મી દેસાઈ અભિનીત ‘નાગિન 4’ સમાપ્ત થઈ ગઈ છે. ભેદભરમવાળી વાર્તા પર આધારિત આ શો પૂરો થયા બાદ હવે નિર્માતાઓ ‘નાગિન’ સિરીઝની નવી પાંચમી આવૃત્તિ બનાવવા માગે છે. એના કલાકારો વિશે એકતા કપૂર કે એમની બાલાજી ટેલિફિલ્મ્સ કંપનીએ કોઈ જાહેરાત કરી નથી, પણ આ સિરીઝના ચાહકો ઉતાવળા થયા છે અને ‘નાગિન 5’ની અભિનેત્રી કોણ હશે એ જાણવા ઉત્સૂક બન્યા છે.

એવી અફવા છે કે દીપિકા કક્કડ, દિવ્યાંકા ત્રિપાઠી અને ક્રાતિકા સેંગર કદાચ ‘નાગિન 5’માં ચમકશે. વેરની વસુલાતની વાર્તાવાળી આ સિરિયલમાં દિવ્યાંકા નેગેટિવ રોલ કરશે એવી પણ જોરદાર અફવા હતી. દિવ્યાંકા આ પહેલાં ટીવી સિરિયલમાં પરંપરાગત વહુ તરીકે જોવા મળી છે એટલે નાગણ તરીકે એ કેવી એક્ટિંગ કરશે એ જોવા માટે એનાં પ્રશંસકો થઈ ગયા હતા. પરંતુ હવે ખુદ દિવ્યાંકાએ જ સ્પષ્ટતા કરી દીધી છે. પોતે ‘નાગિન 5’માં કામ કરવાની છે એવી અફવાઓનું એણે ખંડન કરી દીધું છે.

દિવ્યાંકાએ ટ્વિટર પર એક ચાહકે પૂછેલા સવાલના જવાબમાં લખ્યું છેઃ ‘ના… ખોટા સમાચાર છે.’

‘યે હૈ મોહબ્બતેં’ સિરિયલમાં ઈશિતાનાં રોલ માટે દિવ્યાંકાએ ટીવી દર્શકોની ઘણી વાહ-વાહ મેળવી છે.

દિવ્યાંકા હાલ કોરોના લોકડાઉનને કારણે ઘરમાં એનાં પતિ વિવેક દહિયા સાથે આનંદમાં સમય વિતાવી રહી છે. બંનેની કેટલીક તસવીરો એણે સોશિયલ મિડિયા પર શેર પણ કરી છે.

એવી પણ અફવા છે કે ‘બિગ બોસ 13’નો સ્પર્ધક અસીમ રિયાઝ પણ ‘નાગિન 5’માં ચમકશે અને તે મૌની રોયનાં પુત્રનો રોલ કરશે. જોકે નિર્માતાઓએ એકેય અફવાનો હજી સુધી જવાબ આપ્યો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]