‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ ફિલ્મોના સર્જક બાસુ ચેટરજીનું નિધન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા નિર્દેશક અને લેખક બાસુ ચેટરજીનું 90 વર્ષની ઉંમરે આજે સવારે 8.30 કલાકે મુંબઈમાં નિધન થયું છે. સાંતાક્રૂઝ સ્થિત પોતાના ઘરમાં જ ચેટરજીએ ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. તેમને પહેલેથી જ ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેશર સંબંધિત બીમારી હતી. ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘બાતોં બાતોં મેં’, ‘એક રુકા હુઆ ફૈસલા’ અને ‘ચમેલી કી શાદી’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર બાસુદાના નિધનના સમાચારને અન્ય ફિલ્મકાર અને ભારતીય ફિલ્મ અને ટીવી નિર્દેશક સંઘના અધ્યક્ષ અશોક પંડિતે ટ્વીટ કરીને પુષ્ટિ કરી હતી. બાસુ ચેટરજીના અંતિમ સંસ્કાર બાદમાં બપોરે સાંતાક્રુઝની સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા.

70-80ના દાયકામાં બાસુદાએ અનેક લોકપ્રિય ફિલ્મો આપી હતી

હિન્દી સિનેમામાં 1970-80ના દાયકામાં વાસ્તવિકતા દર્શાવતા પ્રયાસો દરમ્યાન બાસુ દાએ ‘ચિત્તચોર’, ‘રજનીગંધા’, ‘ખટ્ટામીઠા’, ‘પિયા કા ઘર’, ‘જીના યહાં’, ‘પ્રિયતમા’, ‘સ્વામી’, ‘અપને પરાયે’, ‘ચક્રવ્યૂહ’, ‘શૌકીન’ સહિતની અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું અને હિન્દી ફિલ્મોની દુનિયામાં એક પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. આ સિવાય તેમણે ઓછી ચર્ચિત ફિલ્મો ‘રત્નદીપ’, ‘સફેદ જૂઠ’, ‘મનપસંદ’, ‘હમારી બહુ અલકા’, ‘કમલા કી મૌત’, ‘ત્રિયાચરિત્ર’ પણ બનાવી હતી.

2007માં ‘આઇફા લાઇફટાઇમ અચિવમેન્ટ’ એવોર્ડ એનાયત

બાસુ ચેટરજીનો જન્મ રાજસ્થાનના અજમેરમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બાસુ ચેટરજીને લોકો પ્રેમથી બાસુદા કહીને બોલાવતા હતા. ફિલ્મોમાં બાસુ ચેટરજીના યોગદાન માટે સાત વાર ફિલ્મફેર એવોર્ડ અને ‘દુર્ગા’ માટે 1992માં નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. 2007માં તેમને આઇફાએ ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. 1969થી માંડીને 2011 સુધી બાસુદા ફિલ્મોના નિર્દેશનમાં સક્રિય રહ્યા હતા.

‘સારા આકાશ’ દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ

બાસુદાએ 1969માં આવેલી પોતાની ફિલ્મ ‘સારા આકાશ’ દ્વારા ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું. એની પહેલાં તેમણે 1966માં રિલીઝ થયેલી રાજ કપૂર અને વહીદા રહેમાન સ્ટારર ફિલ્મ ‘તીસરી કસમ’ના નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યના સહાયક તરીકે કામ કર્યું હતું.

બાસુદાએ કરીઅરની શરૂઆત એક ઇલસ્ટ્રેટર અને કાર્ટૂનિસ્ટ તરીકે અંગ્રેજી ટેબ્લોઈડ ન્યૂઝપેપર ‘બ્લિટ્સ’થી કરી હતી. એ ન્યૂઝપેપર માટે તેમણે 18 વર્ષ સુધી કામ કર્યું અને ફરી એના પછી તેમણે ફિલ્મજગત સાથે જોડાવાનો અને ફિલ્મ ડિરેક્શન કરવાનો નિર્ણય કર્યોહતો.

મધ્યમવર્ગની સમસ્યાઓને લઈને ફિલ્મો બનાવવી બાસુદાની સૌથી મોટી ખાસિયતોમાંથી એક હતી. બાસુદાએ દૂરદર્શન માટે ‘બ્યોમકેશ બક્ષી’, ‘રજની’ જેવી બહુ લોકપ્રિય સિરિયલ્સનું પણ નિર્દેશન કર્યું હતું

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]