માઈગ્રન્ટ્સનો મહાત્માઃ સોનૂ સૂદે મુંબઈમાંથી 200 ઈડલીવાળાઓને તામિલનાડુ મોકલ્યા

મુંબઈઃ હિન્દી ફિલ્મોનો અભિનેતા સોનૂ સૂદ કારકિર્દીની પહેલી ફિલ્મ દબંગમાં ભલે ખલનાયક હતો, પણ હાલ કોરોના-લોકડાઉનને કારણે મુંબઈમાં ફસાઈ ગયેલા જુદા જુદા રાજ્યોના કામદારોને એમના વતન મોકલવા માટે વ્યવસ્થા કરીને ગરીબ લોકોમાં છવાઈ ગયો છે. એ માઈગ્રન્ટ્સનો મહાત્મા બોલાવા લાગ્યો છે.

‘ઘર ભેજો’ ઝુંબેશ અંતર્ગત 180 માઈગ્રન્ટ કામદારોને વિમાન દ્વારા એમના વતન દહેરાદૂન પહોંચાડ્યા બાદ હવે એણે ઈડલી-ઢોસા બનાવનાર 200 જણને એમના વતન તામિલનાડુમાં પહોંચાડ્યા છે. આ કામદારોએ મુંબઈમાં રવાના થતા પૂર્વે સોનૂની આરતી ઉતારી હતી.

વાઈરલ થયેલા એક વિડિયોમાં સોનૂ પરપ્રાંતીય ફેરિયાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરતો જોઈ શકાય છે. આ ફેરિયાઓ માટે સોનૂએ મુંબઈથી તામિલનાડુ સુધી બસોની વ્યવસ્થા કરી હતી.

દરમિયાન, શિવસેનાના સંસદસભ્ય અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે સોનૂ સૂદ અને માઈગ્રન્ટ કામદારોને મદદ કરવાના એના પ્રયાસોની ટીકા કરી છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામના અખબારમાં લખેલા તંત્રીલેખમાં સોનૂને લોકડાઉનનો મહાત્મા કહીને એની મજાક ઉડાવી છે.

રાઉતે સોનૂને મહાત્મા સૂદ કહ્યો છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની પણ મજાક ઉડાવી છે અને કહ્યું છે કે જેમ સોનૂ એક સારો એક્ટર છે, પણ એની પાસે એક્ટિંગ કરાવનાર કોઈક ફિલ્મ ડાયરેક્ટર હોય છે. એવી જ રીતે, માઈગ્રન્ટ કામદારોને મદદ કરવા પાછળ પણ કોઈક રાજકીય ડાયરેક્ટરનો હાથ છે.