નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રેલ દુર્ઘટના થઈ છે. રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે, જેનાથી કમસે કમ 22 લોકોનાં મોત થયાં છે અને 80 ઘાયલ થયા છે. શહજાદપુર અને નવાબશાહની વચ્ચે સ્થિત સહારા રેલવે સ્ટેશનની પાસે થઈ છે.
જે સમયે આ દુર્ઘટના થઈ એ વખતે ટ્રેન કરાચીથી પાકિસ્તાનના પંજાબ જઈ રહી હતી. ઘાયલ લોકોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેનના પાટા પરથી ઊતરવાનું સાચું કારણ માલૂમ નથી પડ્યું. આ દુર્ઘટના પછી આસપાસની હોસ્પિટલોમાં ઇમર્જન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. રેસ્ક્યુ ટીમ અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ ટ્રેન પૂલ પાસે પાટા પરથી ઊતરી ગઈ છે. પૂલ નીચે કેટલાક લોકોના મૃતદેહ પડેલા છે. આ અકસ્માત બાદ પલટી ગયેલી બોગીમાંથી મુસાફરો જાતે જ બહાર નીકળી રહ્યા છે.
પાકિસ્તાન રેલવેના સુક્કર ડિવિઝનલ કોમર્શિયલ ઓફિસર (DCO) મોહસિન સિયાલે કહ્યું કે ટ્રેનના કેટલા ડબ્બા પાટા પરથી ઊતરી ગયા તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. સત્તાવાળાઓ દ્વારા કોઈ જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે હું ઘટનાસ્થળે જઈ રહ્યો છું. આ અકસ્માત સિરહરી રેલવે સ્ટેશનના આઉટર સિગ્નલ પર થયો હતો.
શહીદ બેનજીરાબાદના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) મુહમ્મદ યુનિસે આ અકસ્માતને મોટો અકસ્માત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે બચાવ ટીમોની જરૂર છે. તેમની ટીમ અને કમિશનર સ્થળ પર જઈ રહ્યા છે. જ્યારે સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે નવાબશાહના ડેપ્યુટી કમિશનર (DC) ને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.