ન્યૂયોર્કઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસને આ વર્ષના ‘ઓસ્કર’ એવોર્ડ્સમાં ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ના એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે.
‘બેવોચ’ની અભિનેત્રી એની આગામી નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વ્હાઈટ ટાઈગર’ માટે પ્રતિષ્ઠિત એકેડેમી એવોર્ડ જીતે એવી ધારણા રાખી શકાય. પ્રિયંકા ભૂતકાળમાં ઓસ્કર એવોર્ડ્સ સમારંભમાં મહેમાન તરીકે હાજરી આપી ચૂકી છે, પણ આ વખતના સમારંભમાં એ નોમિની (નામાંકિત) તરીકે રેડ કાર્પેટ પર ઉપસ્થિત થશે.
‘ધ વ્હાઈટ ટાઈગર’ ફિલ્મ રામીન બેહરાનીએ બનાવી છે અને તે આ જ નામ સાથે પ્રકાશિત કરાયેલી ભારતીય-ઓસ્ટ્રેલિયન લેખક-પત્રકાર અરવિંદ અડિગની નવલકથાનું ફિલ્મી રૂપાંતર છે. ચેન્નાઈમાં જન્મેલા અડિગની નવલકથાને 2008ની સાલમાં ‘મેન બુકર પ્રાઈઝ’ મળ્યું હતું. ‘ધ વ્હાઈટ ટાઈગર’ એમની પહેલી જ નવલકથા હતી.
આ ફિલ્મમાં પ્રિયંકાએ જે પાત્ર ભજવ્યું છે એ તેનાં પ્રશંસકોએ અગાઉ ક્યારેય જોયું નહીં હોય અને પ્રિયંકાનાં અભિયની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
‘ધ વ્હાઈટ ટાઈગર’ ફિલ્મની રિલીઝ તારીખ પણ હજી નક્કી થઈ નથી, પરંતુ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે એ નક્કી થયું છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે રાજકુમાર રાવની પણ મહત્ત્વની ભૂમિકા છે.
અમેરિકાની વિખ્યાત મિડિયા કંપની ‘વેરાયટી’ તેના એવોર્ડ્સ સર્કિટ અંતર્ગત ઓસ્કર એવોર્ડના સંભવિત વિજેતાઓ વિશે સત્તાવાર રીતે આગાહી કરે છે. એણે જ પ્રિયંકાનું નામ ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’ની કેટેગરીમાં ટોચની દાવેદાર તરીકે જાહેર કર્યું છે.
પ્રિયંકા ચોપરાને મેરીલ સ્ટ્રીપ (‘ધ પ્રોમ’), હાન યેન-રી (‘મિનારી’), ક્રિસ્ટીન સ્કોટ થોમસ (‘રીબેકા’) અને ઓલિવિયા કોલમન (‘ધ ફાધર’)ની સાથે નામાંકન મળ્યું છે.
38 વર્ષીય પ્રિયંકા કોરોના રોગચાળાના સંકટના સમયમાં દુનિયાના અનેક ભાગોમાં પ્રોત્સાહિત કરનારી મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગોને ટેકો પૂરો પાડવા માટે આગળ આવી છે.
નેટફ્લિક્સ કંપની મુકુલ દેવરાની સાથે મળીને ‘ધ વ્હાઈટ ટાઈગર’નું નિર્માણ કરી રહી છે. પ્રિયંકા એમાં એક્ઝિક્યૂટિવ પ્રોડ્યૂસર તરીકે પણ જોડાઈ છે.