ન્યૂયોર્કઃ યુનાઈટેડ નેશન્સ સંસ્થાના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે કોરોના વાઈરસ-વિરોધી કોઈ સુરક્ષિત અને અસરકારક રસીથી જ આ રોગચાળાને ડામી શકાશે. પરિસ્થિતિ રાબેતા મુજબ કરવાનો તે જ એકમાત્ર રસ્તો બની શકે છે.
ગુટેરેસે UN સંસ્થા અંતર્ગત આવતા 50 આફ્રિકન દેશોના વડાઓ સાથેની એક વિડિયો કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઊભી કરેલી કટોકટી દૂર કરવાનું એકમાત્ર સાધન છે, આ રોગની રસી.
ગુટેરેસે એવી આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત પહેલા આ રોગચાળાનો ઈલાજ મળી આવશે.
રસી બનાવવા માટેના પ્રયાસોને વેગ આપવો જોઈએ એમ UN સંસ્થાના આ વડાએ કહ્યું છે. ‘આ રસીથી સમગ્ર દુનિયાને લાભ થવો જોઈએ. આ રસી તમામ માનવીઓને મળવી જોઈએ જેથી રોગચાળો કાબૂમાં રહી શકે,’ એમ તેમણે વધુમાં કહ્યું.
અનેક પ્રકારના સિદ્ધાંતો અને સંશોધનો હાથ ધરનાર નિષ્ણાતોએ જણાવ્યું છે કે કોરોના વાઈરસને લોકડાઉનના કોઈ એકલદોકલ રાઉન્ડથી નાબૂદ કરી શકાશે નહીં. આ વાઈરસ મોસમી બની શકે છે અને ઠંડીની મોસમવાળા મહિનાઓમાં એનો ફેલાવો વધી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં જણાવાયું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના પગલાં વારંવાર ભરતા રહેવા પડશે. રોગચાળાને ફેલાતો રોકવા માટે આ જ સૌથી મહત્ત્વનું પગલું છે. કોરોનાને નાબૂદ કરવાની લડાઈ 2022 સુધી ચલાવવી પડે એવી જરૂર લાગે છે.
દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસને કારણે 1,34,600થી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. દુનિયાભરમાં આ રોગના કન્ફર્મ્ડ કેસોની સંખ્યા 20 લાખને ક્યારની પાર કરી ગઈ છે. અમેરિકામાં આ રોગ દરરોજ સેંકડો લોકોનો ભોગ લે છે. ગઈ કાલે આ દેશમાં એક જ દિવસમાં 2,600 જેટલા લોકો માર્યા ગયા હતા. અમેરિકામાં મરણાંક વધીને 27 હજાર થયો છે.