લંડનઃ આફ્રિકન મૂળના (ઘાના દેશમાં જન્મેલાં માતાપિતાનાં પુત્ર) બ્રિટિશ વ્યાપાર પ્રધાન ક્વાસી ક્વારટેંગનું કહેવું છે કે બોરીસ જોન્સનને વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું પડે એ કંઈ અનિવાર્ય નથી. આમ, ક્વારટેંગે જોન્સનને એમની વર્તણૂકને કારણે ઊભા થયેલા વિવાદ મામલે પોતાનું સમર્થન વ્યક્ત કરી દીધું છે.
જોન્સન છેલ્લા લગભગ ત્રણ મહિનાથી કટોકટીમાં સપડાયા છે. એમની જ કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક સંસદસભ્યોની માગણી છે કે કોરોનાવાઈરસ રોગચાળો ફેલાયો હોવા છતાં અને દેશમાં જનતા માટે લોકડાઉન લાગુ કરાયું હોવા છતાં જોન્સને એમના નિવાસસ્થાને પાર્ટીઓ યોજી હતી તેથી એમણે વડા પ્રધાન પદેથી રાજીનામું આપવું જોઈએ. રૂઢિવાદી પાર્ટીના એક વફાદાર સિનિયર સંસદસભ્ય ચાર્લ્સ વોકરે અગાઉ ઓબ્ઝર્વર અખબારને એમ જણાવ્યું હતું કે, ‘અમારી પાર્ટી વડા પ્રધાન પદેથી જોન્સનની હકાલપટ્ટી કરશે એ હવે અનિવાર્ય બન્યું છે.’ પરંતુ, ક્વારટેંગે સ્કાઈ ન્યૂઝને આજે એમ કહ્યું હતું કે, ‘એમને જે દેખાય છે એ મને દેખાતું નથી.’