ચર્ચા સાથે યુદ્ધનું ષડયંત્ર રચી રહ્યું છે અમેરિકા: નોર્થ કોરિયાનો આરોપ

પ્યોંગયાંગ- ફરી એકવાર નોર્થ કોરિયા અને અમેરિકાના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. નોર્થ કોરિયાની સરકારી મીડિયાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે, તે નોર્થ કોરિયા વિરુદ્ધ યુદ્ધનું ષડયંત્ર રચી રહ્યાં છે. વધુમાં એમ પણ જણાવવામાં આવ્યું કે, અમેરિકા બેવડા માપદંડ અપનાવી રહ્યું છે. ચહેરા પર સ્મીત રાખીને નોર્થ કોરિયા સાથે સંવાદ કરી રહ્યું છે અને બીજી તરફ યુદ્ધનું ષડયંત્ર રચી રહ્યું છે.નોર્થ કોરિયાના અખબારના જણાવ્યા મુજબ ‘અમે અમેરિકાના બેવડા વલણ ઉપર ધ્યાન આપી રહ્યાં છીએ. કારણકે અમેરિકા પોતાના ચહેરા ઉપર સ્મીત રાખીને નોર્થ કોરિયા સાથે ચર્ચા કરવાનો દેખાવ કરે છે અને બીજી તરફ માનવ હત્યા કરવાના ઈરાદા સાથે ગુપ્ત સૈન્ય અભ્યાસમાં વ્યસ્ત છે.

વધુમાં નોર્થ કોરિયાના અખબારે જણાવ્યું કે, ‘જો અમેરિકા એવો વિચાર રાખે છે કે, નોર્થ કોરિયાને ઉખાડી ફેંકવા માટે તેઓ સક્ષમ છે તો, તે અમેરિકાની મોટી ભૂલ છે. એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે જ્યારે અમેરિકા તેની શક્તિઓનો ઉપયોગ કરીને તેના નાપાક ઈરાદાઓને પુરા કરતું હતું’.

USFJના સાર્વજનિક મામલાના નિર્દેશક કર્નલ જ્હોન હ્યૂચસને જણાવ્યું કે, સામાન્ય સંજોગોમાં અમેરિકાના સહયોગી અને ક્ષેત્રીય સહયોગીના સુરક્ષા હિતને ધ્યાનમાં રાખીને અમેરિકા પ્રતિબદ્ધ છે અને તેને ધ્યાનમાં રાખીને જાપાનમાંથી અમેરિકન વિમાનો અને જહાજોનું સંચાલન કરવામાં આવે છે.