માઉન્ટ કાર્મેલ સ્કૂલ ફરી વિવાદોમાં, શિક્ષકે વિદ્યાર્થીની રાખડી કાપી

ગાંધીનગરઃ સેક્ટર-21માં આવેલી મિશનરી માઉન્ટ કાર્મેલ શાળા ફરીએકવાર વિવાદમાં આવી છે. ગાંધીનગરની આ શાળામાં એક ટીચરે ધોરણ-5ના વિદ્યાર્થીઓના હાથ પર બાંધેલી રાખડી જબરદસ્તી પૂર્વક કાપી નાંખતા ચકચાર વ્યાપી છે. જો કે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ અંગે તપાસ માટે આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ તપાસ કરવા માટે શાળાએ પહોંચ્યા હતા.

એક ટીચરે વિદ્યાર્થીની રાખડી જબરદસ્તી કાપી નાંખતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ પ્રધાનને આ અંગે રજૂઆત કરીને શિક્ષિકા સામે પગલા ભરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગને કડક સૂચના આપી છે. ચુડાસમાએ કહ્યું કે, અમે સ્કૂલ પાસેથી ત્રણથી ચાર દિવસમાં ખુલાસો માંગ્યો છે. આ ખરેખર અનિચ્છનિય ઘટના છે. આ પ્રકારની હરકતથી સમગ્ર સમાજની લાગણી દુભાઈ શકે છે. કોના આદેશથી અને કોને આવું કૃત્ય કર્યું છે તેનો ખુલાસો સ્કૂલ તરફથી અપાયા બાદ શું પગલાં લેવા તેની કાર્યવાહી કરવામાં આવશે.

સમગ્ર મામલો સામે આવતા વીએચપી અને એબીવીપી જેવા સંગઠનોએ શાળામાં જઈને ઉગ્ર સુત્રોચ્ચારો સાથે વિરોધ પણ કર્યો હતો. આ મુદ્દે તમામ સંગઠનો એક થતા સ્કૂલ સત્તા વાળા એ તેમને મળવા બોલાવી તેમની રાખડી બાંધવાની માગ ને સઁતોષ તા આ વિવાદ નો અંત આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]