પાકિસ્તાનમાં ના, રૂપિયા, ના ડોલર અને ના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ

લાહોરઃ પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે. પાકિસ્તાન સરકારે IMF બેલઆઉટ પેકેજ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. IMFથી બેલઆઉટ પેકેજ નહીં મળ્યા બાદ હવે નાદાર થવાનું જોખમ છે. ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયા 275એ પહોંચી ચૂક્યો છે, જે ઓલટાઇમ લો સ્તરે છે. ખાણીપીણીની સહિતની બધી ચીજવસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે. પાકિસ્તાનની વિદેશી કરન્સીનો ભંડાર 1998થી અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે છે. એ માત્ર ત્રણ અબજ ડોલર જ રહી ગયું છે.

અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ એમ્બેસેડર હુસૈન હક્કાનીએ કહ્યું હતું કે આતંકવાદે પાકિસ્તાનમાં FDIને અટકાવી દીધું છે. ચીન પર તેની અવાસ્તવિકત નિર્ભરતાએ તેને દેવાં તળે દબાવી દીધું છે. અફઘાનિસ્તાન અને ભારતછી ખરાબ સંબંધોએ પાકિસ્તાન માટે વેપારની તકો સીમિત કરી દીધું છે.વૈશ્વિક વિષેશજ્ઞોએ કહ્યું હતું કે પાકિસ્તાન અભૂતપૂર્વ કૂટનીતિ અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. હવે ઇસ્લામી જગતમાં પાકિસ્તાનના મિત્રોને પણ લાગે છે કે એણે પહેલાં ઘર સરખું કરવું જોઈએ. કટ્ટરપંથી ઇસ્લામી ગ્રુપ્સને એની જમીનનો ઉપયોગ કરવાથી રોકવા જોઈએ.

પાકિસ્તાનમાં મોંઘવારી આશરે 50 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવાનો દર 27.6 ટકાનો વધારો થયો હતો, જ્યારે જથ્થાબંધ ફુગાવાનો દર 28.5 ટકા થયો છે.

પાકિસ્તાનમાં મોંઘવારી બેકાબૂ છે, ઘઉં, કાંદા અને ગેસ સિલિન્ડર વગેરેની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. જાન્સુઆરી, 2022માં 20 કિલોની ગૂણીની કિંમતે રૂ. 1164.8 પાકિસ્તાની રૂપિયા હતી, જે જાન્યુઆરી, 2023માં વધીને 1736 પાકિસ્તાની રૂપિયાએ પહોંચી હતી.