મલાડની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ; કિશોરનું મરણ

મુંબઈઃ અહીંના મલાડ (પૂર્વ)ના કુરાડ વિલેજ વિસ્તારમાં આજે અનેક ઝૂંપડાઓમાં મોટી આગ લાગતાં 12 વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું છે અને બીજાં 14 જણ જખ્મી થયાં છે. આગ સવારે લગભગ 11.15 વાગ્યે લાગી હતી. એમાં 50-100 ઝૂંપડા ખાખ થઈ ગયા હતા.

(તસવીર સૌજન્યઃ @mnvsdindoshi)

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આગ લેવલ-2 (મોટી) હતી. તેને બુઝાવવા અનેક ફાયરમેન આઠ ફાયર એન્જિન્સ, ચાર જમ્બો વોટર ટેન્કર, એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગયા હતા. આગને કાબૂમાં તો લેવામાં આવી હતી, પરંતુ કિશોરને બચાવી શકાયો નહોતો. એને કાંદિવલી (વેસ્ટ)ની મહાપાલિકા સંચાલિત શતાબ્દી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ એને મૃત લાવેલો ઘોષિત કર્યો હતો. આગમાં એક પછી એક 15 ગેસ સિલિન્ડરો ફાટ્યા હતા. એને પરિણામે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.