નેપાળે સ્થાનિક, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારાની વચ્ચે દેશમાં પ્રતિબંધને આકરા કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ સ્થાનિક ફ્લાઇટ્સ આજે મધ્ય રાત્રિથી, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ગુરુવારથી પ્રતિબંધ લગાડી દેવામાં આવશે. ઓલીએ સોમવારે રાષ્ટ્રને નામે સંબોધનમાં રોગચાળાથી લડવા માટે અન્ય દેશોથી રસી, મેડિકલ ડિવાઇસ, ઓક્સિજન અને અન્ય માલસામાનના સપ્લાય માટે અપીલ પણ કરી હતી.

તેમણે કહ્યું હતું કે અમે અમારા પડોશી, મિત્ર દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ રોગચાળાથી લડવા માટે જારી પ્રયાસોમાં મદદ તરીકે રસી, મેડિકલ ડિવાઇસ અને કિટ, ઓક્સિજન થેરેપી તથા જરૂરી દવાઓ મોકલે.

તેમણે કહ્યું હતું કે સરકારે ત્રીજી મેની મધ્યરાત્રિથી 14 મે સુધી સ્થાનિક ફ્લાઇટ્સની સેવાઓને નિલંબિત કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે કાઠમંડુ અને અન્ય દેશોની વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ છઠ્ઠી મેથી 14 મે સુધી બંધ રહેશે. તેમણે કહ્યું હતું કે એન્ટિજન તપાસ કર્યા પછી ભારતના લોકોને નેપાળમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. ભારતે નેપાળને કોરોનાની રસીના 10 લાખ ડોઝ દાન કર્યા છે.