‘મારો હિન્દૂ ધર્મ મને મારી આઝાદી આપે છે’: વિવેક રામસ્વામી

ન્યૂયોર્કઃ ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ વિવેક રામસ્વામીએ કહ્યું છે કે હિન્દૂ ધર્મમાંની એમની આસ્થા જ અમેરિકાના પ્રમુખપદના ચૂંટણીપ્રચારમાં એમની દોરવણી કરે છે અને અમેરિકાના પ્રમુખ તરીકે પોતે અમેરિકામાં ધર્મ, પરિવાર, સખત પરિશ્રમ અને દેશભક્તિની બાબતોને ફરી બળવાન બનાવવાનું ઈચ્છશે. કેરળમાંથી અમેરિકા આવીને વસેલા ભારતીય માતા-પિતાના સંતાન રામસ્વામી રીપબ્લિકન પાર્ટીના નેતા છે અને એમને આશા છે કે તેઓ પ્રમુખપદની ચૂંટણી માટે પક્ષની ઉમેદવારી હાંસલ કરશે.

‘ધ ડેઈલી સિગ્નલ’ પ્લેટફોર્મ દ્વારા આયોજિત ‘ધ ફેમિલી લીડર ફોરમ’ કાર્યક્રમમાં પોતાના ભાષણમાં 38-વર્ષીય રામસ્વામીએ હિન્દૂ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને પોતાના પારંપારિક કૌટુંબિક મૂલ્યો વિશે રજૂઆત કરી હતી. એમણે કહ્યું, મારો ધર્મ મને મારી આઝાદી આપે છે. મારો ધર્મ જ આ પ્રમુખપદના ચૂંટણીપ્રચારમાં મારી દોરવણી કરે છે… હું હિન્દૂ છું. મારું માનવું છે કે ખરા ઈશ્વર એક જ છે. મારું માનવું છે કે ઈશ્વરે આપણને દરેકને અહીંયા એક ઉદ્દેશ્ય માટે અહીં મૂક્યા છે. આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવાની આપણી નૈતિક ફરજ છે એવું મારો ધર્મ અમને શીખવે છે. આપણે સૌ ઈશ્વરના સાધનો છીએ જે અલગ અલગ રીતે કાર્ય કરે છે, પરંતુ મૂળમાં સૌ સમાન છીએ, કારણ કે ઈશ્વર આપણા દરેકમાં વસે છે.

(તસવીર સૌજન્યઃ @VivekGRamaswamy)