નવી દિલ્હીઃ મેટા પ્લેટફોર્મની નવી એપ થ્રેડસે લોન્ચ થવાના એક જ દિવસમાં ધૂમ મચાવી દીધી છે. માર્ક ઝુકરબર્ગની આ નવી એપને ટ્વિટર ક્લોન કહેવામાં આવી રહી છે. હવે ટ્વિટરે મેટા પ્લેટફોર્મને એક પત્ર લખીને કોર્ટમાં જવાની ધમકી આપી છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝુકરબર્ગને કોર્ટમાં જવાની ધમકી ટ્વિટરે આપી છે ટ્વિટરના વકીલ એલેક્સ સ્પાઇરોએ મેટાને એક પત્ર મોકલ્યો છે. એક જ દિવસમાં મેટાની નવી એપ થ્રેડસ (Threads)ને 50 મિલિયનથી વધુ યુઝર્સે સાઇનઅપ કરી દીધી છે. ઇન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સનો લાભ નવી થ્રેડ્સ એપ એલન મસ્કના ટ્વિટરને આકરી ટક્કર આપશે.
ટ્વિટરના વકીલે પત્રમાં મેટા પર ટ્વિટરના એ ભૂતપૂર્વ કર્મચારીઓ ભરતી કરવાનો આરોપ લગાવ્યો છે, જેમની પાસે ટ્વિટરના ટ્રેડ સિક્રેટ અને બીજી ખાનગી માહિતીનું એક્સેસ હતું. ન્યૂઝ વેબસાઇટ સેમાફોરે સૌથી પહેલાં આ માહિતી જાહેર કરી હતી.
સ્પાઇરોએ પત્રમાં લખ્યું છે કે ટ્વિટરનો ઇરાદો પોતાની ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટી (બૌદ્ધિક સંપતિ) અધિકારીઓને સખતાઈથી લાગુ કરવાના છે અને અમારી માગ છે કે મેટા તત્કાળ અસરથી ટ્વિટરના કોઈ પણ ટ્રેડ સિક્રેટ અથવા ખાનગી માહિતીનો ઉપયોગ કરવાનું બંધ કરે. આ મામલાથી જોડાયેલાં સૂત્રોના હવાલાથી પત્રમાં લખેલી માહિતીની પુષ્ટિ કરી હતી. જોકે મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને એક થ્રેડ્સ પોસ્ટમાં કહ્યું હતું કે થ્રેડ્સની એન્જિનિયરિંગ ટીમમાં કોઈ પણ ભૂતપૂર્વ ટ્વિટર કર્મચારી સામેલ નથી- એવી કોઈ વાત નથી.
આ સમાચારને લઈને માલિક એલન મસ્કે ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘Competition is fine, cheating is not” (પ્રતિસ્પર્ધા સારી છે, પણ બેઇમાની નહીં).