ક્વીન્સલેન્ડઃ પત્રકારોનું રક્ષણ કરવા રચાયેલી એક સમિતિના જણાવ્યા મુજબ, ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ગઈ 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધને કારણે દરરોજ ઓછામાં ઓછા એક પત્રકાર/મીડિયાકર્મીનું મૃત્યુ થયું છે.
સમિતિનું કહેવું છે કે યુદ્ધ શરૂ થયાના એક જ મહિનામાં ઓછામાં ઓછા 39 પત્રકારો અને મીડિયાકર્મીઓ માર્યા ગયા છે. જેઓ યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું કવરેજ કરવા ગાઝા ગયા હતા. મૃતકોમાં મોટા ભાગના પાકિસ્તાની પત્રકારો અને મીડિયાકર્મીઓ છે. અન્યોમાં ચાર ઈઝરાયલી, એક બૈરુતસ્થિત વીડિયોગ્રાફરનો સમાવેશ થાય છે. ચાર ઈઝરાયલી પત્રકારોની હમાસ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. બૈરુતનિવાસી વીડિયોગ્રાફરનું બોમ્બમારામાં મૃત્યુ થયું હતું. યુદ્ધના દિવસોમાં અનેક પત્રકારો ઘાયલ પણ થયા છે. મૃતકોમાં પેલેસ્ટિનીયન ફ્રીલાન્સ પત્રકારોનો પણ સમાવેશ થાય છે જેઓ આંતરરાષ્ટ્રીય સમાચાર સેવાઓ તથા સ્થાનિક સમાચાર નેટવર્ક્સ માટે કામ કરતા હતા. અમુક પત્રકાર હવાઈ હુમલાઓ દરમિયાન એમના ઘર પર બોમ્બ પડવાને કારણે માર્યા ગયા છે.
ઈઝરાયલી સંરક્ષણ દળોએ ભારપૂર્વક કહ્યું છે કે એમણે પત્રકારોને ટાર્ગેટ બનાવ્યા નથી, પરંતુ ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની સંસ્થાનો આરોપ છે કે ઓછામાં ઓછા 10 પત્રકારો યુદ્ધની સ્થિતિનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે માર્યા ગયા હતા. એક ઘટનામાં, ઈઝરાયલ તરફથી આવેલો એક બોમ્બ પત્રકારોના એક જૂથને લઈ જતા એક વાહન પર પડ્યો હતો.