ટોરોન્ટોઃ કેનેડાને કોરોના વાઈરસ-વિરોધી રસી સપ્લાય કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનને ઈન્ડો-કેનેડા ચેંબર ઓફ કોમર્સ તથા બીજી ઘણી ભારતીય-કેનેડિયન સંસ્થાઓએ આવકાર આપ્યો છે. ઈન્ડો-કેનેડા ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ વિજય થોમસે કહ્યું કે, મોદીના વચન બાદ બંને દેશ વચ્ચેના સંબંધોના મામલે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે. સંબંધોની આડે રહેલો એક મોટો અવરોધ દૂર થઈ ગયો છે.
મોદીએ કોરોના રોગચાળા-વિરોધી રસી આપવાનું વચન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ગઈ કાલે બંને વચ્ચેની ટેલિફોન પરની વાતચીત દરમિયાન આપ્યું હતું. બંને નેતાએ તે ઉપરાંત આર્થિક રીકવરી તથા પર્યાવરણ રક્ષણ જેવા મુદ્દાઓ વિશે પણ ચર્ચા કરી હતી. કેનેડામાં ફાઈઝર અને મોડેર્ના કંપનીઓની કોરોના રસીની અછત સર્જાતાં ટ્રુડોની સરકારની ટીકા થઈ રહી છે.
