વોશિંગ્ટનઃ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન માટે ટેકો પ્રદર્શિત કરવા માટે ગઈ કાલે અહીં ભારતીય દૂતાવાસની બહાર એક રેલી યોજવામાં આવી હતી. એ દરમિયાન કેટલાક ખાલિસ્તાની તત્ત્વોએ દૂતાવાસની સામે મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝામાં મૂકવામાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને ખંડિત કરી હતી અને તોડફોડ કરી હતી.
તે દેખાવો દરમિયાન કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા ફરકાવતા અને ખાલિસ્તાન તરફી નારા લગાવતા જોવા મળ્યા હતા. પ્રતિમાની ઉપર એક ખાલિસ્તાની ઝંડો પણ વીંટાળવામાં આવ્યો હતો. ભારતીય દૂતાવાસે એ ઘટનાને ગુંડા તત્ત્વોની તોફાની હરકત ગણાવીને વખોડી કાઢી છે અને અમેરિકાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેમજ અમેરિકાના વિદેશ મંત્રાલયને પણ આ કેસમાં તપાસ કરાવી ગુનેગારોને સજા કરાવવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુ છે, જે શીખ છે.
2000ની 16 સપ્ટેમ્બરે તે વખતના વડા પ્રધાન અટલબિહારી વાજપેયીએ મહાત્મા ગાંધીની આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ પ્રસંગે ત્યારના અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન પણ ઉપસ્થિત રહ્યા હતા.