કોવિડ-19 વિશે બિલ ગેટ્સની ગંભીર ચેતવણી

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળા વિશે દુનિયાના દેશોને ફરીવાર ચેતવ્યા છે અને કહ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાનો સૌથી ખરાબ સમયગાળો તો હજી આવવાનો બાકી છે. આવનારા ચારથી છ મહિના સૌથી ખરાબ રહી શકે છે. સીએનએન ચેનલને આપેલી મુલાકાતમાં ગેટ્સે કહ્યું કે, હું દુઃખ સાથે કહીશ કે આગામી ચારથી છ મહિના આ રોગચાળાના સૌથી ખરાબ જાય એવી સંભાવના છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન સંસ્થાનો અંદાજ છે કે વધુ બે લાખ જેટલા મરણ થશે. જો આપણે માસ્ક પહેરીશું અને એકબીજા સાથે હળીશું-મળીશું નહીં તો મોટા મરણાંકને ટાળી શકીશું. અમેરિકા આ પરિસ્થિતિને બરાબર સંભાળી શકશે એવું મને લાગે છે.

બિલ ગેટ્સે 2015માં પણ દુનિયાના દેશોને ચેતવણી આપી હતી કે એક સંભવિત જાગતિક રોગચાળો ફેલાઈ શકે છે. આ વખતે એમણે કહ્યું છે કે 2015માં મેં જ્યારે આગાહી કરી હતી ત્યારે પણ મેં મરણાંક ઘણો ઊંચો રહેવાની ધારણા રાખી હતી. હવે આ વાઈરસ એના કરતાં પણ વધારે જીવલેણ બની શકે છે.