લંડનઃ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે હૈદરાબાદથી લંડન આવેલી 27 વર્ષીય યુવતી કોંથમ તેજસ્વિનીની લંડનના ઉપનગર વેમ્બ્લીમાં છરો ભોંકીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા તેની સાથે રૂમમાં રહેતા બ્રાઝિલિયન પુરુષે કરી છે. આ ઘટના મંગળવારે સવારે લગભગ 10 વાગ્યે નીલ્ડ ક્રેસેન્ટ ખાતે બની હતી.
બ્રાઝિલિયન શખ્સે કરેલા છરાભોંક હુમલામાં 28 વર્ષની એક અન્ય મહિલાને ઈજા થઈ છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
હૈદરાબાદમાં રહેતા તેજસ્વિનીનાં પિતરાઈ ભાઈ વિજયે કહ્યું કે બ્રાઝિલિયન શખ્સ કાવતરાખોર છે. તે એક અઠવાડિયાથી પણ ઓછા સમયથી તેજસ્વિની તથા એની સહેલીઓ-મિત્રો સાથે રહેતો હતો.
પોલીસે આ ઘટના બદલ ત્રણ જણની ધરપકડ કરી છે. એમાં 24 વર્ષીય એક પુરુષને કસ્ટડીમાં રાખ્યો છે અને 23 વર્ષની એક યુવતીને ધરપકડ કર્યા બાદ છોડી મૂકવામાં આવી છે. 23 વર્ષના એક અન્ય યુવકને પણ શકમંદ તરીકે પકડવામાં આવ્યો છે. મેટ્રોપોલિટન પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
