કેનેડાની જેમ પાકિસ્તાને લગાવ્યા ભારત પર ગંભીર આરોપ

નવી દિલ્હીઃ કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાને પણ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર પાકિસ્તાની  નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે બે પાકિસ્તાની નાગરિકોની હત્યાને મામલે હત્યારાઓ અને ભારતીય એજન્ટ્સની વચ્ચે સંબંધોના પુરાવા મળ્યા છે.

અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ મુખ્ય પ્રવક્તા વેદાંત પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કેનેડા અને અમેરિકા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર વિદેશી ધરતી પર હત્યાનો આરોપ લગાવ્યો છએ. આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. જોકે આ વિશે મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી. આવામાં પાકિસ્તાન અને ભારત સરકારને આ વિશે વધુ કહેવા દઈશ.

પાકિસ્તાનના વિદેશ સચિવ મોહમ્મદ સાઇરસ સજ્જાદ કાઝીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતીય જન્ટ્સે પાકિસ્તાનની ધરતી પર પાકિસ્તાની નાગરિક શાહિદ લતીફની હત્યા કરી છે. અમારી પાસે પૂરતા પુરાવા છે.

જોકે પાકિસ્તાનના આરોપો પર પલટવાર કરતાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ જૂઠ ફેલાવવાનો પેંતરો છે અને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો પ્રકાર છે. પાકિસ્તાન આંતકવાદ, સંગઠિત ગુનાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો છે. ભારત અને કેટલાય અન્ય દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે એ આતંકવાદ અને હિંસાનો શિકાર થશે.