યાંગોનઃ મ્યાનમારના સુરક્ષા દળોએ ગયા મહિને સેનાના તખતાપલટની સામે દેશભરમાં પ્રદર્શન કરી રહેલા દેખાવકારો પર બુધવારે ગોળીબાર કર્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ એને ખૂની બુધવાર કહ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વિશેષ દૂતે જણાવ્યું હતું કે સેના દ્વારા સત્તા કબજે કર્યાના કોઈ પણ દિવસ કરતાં વધુ મોત થયાં હતા. ક્રિસ્ટિન શ્રેનર બર્જનરે કહ્યું હતું કે દેશભરમાં દિલ હલાવી નાખે એવા ફુટેજ સામે આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે એવું લાગે છે કે સુરક્ષા દળોના ગોળીબારમાં લાઇવ બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે. એક ફેબ્રુઆરીના બળવા પછી થયેલા કુલ મૃત્યુઆંકની સંખ્યા 50ને વટાવી ગઈ છે. સુરક્ષા દળો દ્વારા બુધવારે કરેલા ગોળીબારમાં કમસે કમ 30 લોકો ઘાયલ થયા હતા.
બળવા પછીનો સૌથી લોહિયાળ દિવસ હતો, એમ બર્જનરે ઓનલાઇન ન્યૂઝ બ્રીફિંગમાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વિડિયો ફુટેજમાં પોલીસ 9 એમએમની સબ-મશીનગનથી ફાયર કરી રહી હોવાનું દેખાય છે.
દેશમાં આશરે 1200 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમાંના અનેક પરિવારોને એ અવઢવ હતી કે તેમને સારી રીતે રાખવામાં આવી રહ્યા છે કે કેમ? એમ તેણે કહ્યું હતું. સુરક્ષા દળોએ દેખાવકારો સામે હિંસાનો સહારો લીધો હતો. આંગ સેન સૂના નેતૃત્વવાળી સરકારના તખતાપલટ પછી દરેક સપ્તાહે લોકો એકઠા થઈ રહ્યા છે.