ઝારખંડના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યની 2 રાજ્યસભા બેઠકો માટે ગુરુવારે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં સત્તાધારી ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના સમર્થન સાથે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાનીએ એક આશ્ચર્યજનક વિજય મેળવ્યો છે. વિધાનસભામાં પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં એનડીએ આ બેઠક જીતવામાં સફળ રહ્યું છે, જેને વિપક્ષી ગઠબંધન માટે એક બહુ મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આ ચૂંટણીમાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયું હોવાની વિગતો બહાર આવી છે, જ્યારે 3 ધારાસભ્યોના વોટ કેન્સલ (રદ) થયા હોવાની પણ ચર્ચા છે.
Ranchi, Jharkhand: Leader of Opposition Babulal Marandi and other BJP leaders congratulate NDA-backed Rajya Sabha candidate Parimal Nathwani following his victory in the election.
(Video source: Babulal Marandi, X) pic.twitter.com/v67uwUF1ML
— IANS (@ians_india) June 18, 2026
ત્રિપાંખીયો જંગ: બૈદ્યનાથ રામની જીત નક્કી હતી, અસલી ફાઇટ બીજી સીટ પર થઈ
ઝારખંડ વિધાનસભા પરિસરમાં ગુરુવારે તમામ 81 ધારાસભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા – ઝારખંડ મુક્તિ મોરચા (JMM) તરફથી બૈદ્યનાથ રામ, કોંગ્રેસ તરફથી પ્રણવ ઝા અને એનડીએ સમર્થિત પરિમલ નથવાની. JMM ના ઉમેદવાર બૈદ્યનાથ રામ પાસે પૂરતી સંખ્યા હોવાથી તેમની જીત પહેલાથી જ સુનિશ્ચિત માનવામાં આવતી હતી અને તેઓ 31 મતો મેળવીને વિજેતા બન્યા હતા. ખરી લડાઈ બીજી બેઠક માટે કોંગ્રેસના પ્રણવ ઝા અને પરિમલ નથવાની વચ્ચે હતી, જેમાં અંતે ક્રોસ વોટિંગના કારણે પરિમલ નથવાની 28 મતો મેળવીને બાજી મારી ગયા હતા.
ઝારખંડમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે પ્રથમ પ્રાથમિકતાના કુલ 28 મતોની જરૂર હતી. JMM પાસે પોતાના જ 34 ધારાસભ્યો હોવાથી બૈદ્યનાથ રામ સરળતાથી જીતી ગયા હતા. પરંતુ કોંગ્રેસ પાસે પોતાના દમ પર જીતવા માટે જરૂરી 28 ધારાસભ્યો નહોતા, કારણ કે કોંગ્રેસના પોતાના માત્ર 16 ધારાસભ્યો છે.
આવી સ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને જીતવા માટે JMM ના બચેલા 6 ધારાસભ્યો, રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના 4 ધારાસભ્યો અને સીપીઆઈ-એમએલ (CPI-ML) ના 2 ધારાસભ્યોના સમર્થનની સખત જરૂર હતી. જો આ તમામ મતો ગઠબંધનની વફાદારી સાથે કોંગ્રેસને મળ્યા હોત, તો પ્રણવ ઝાની જીત પાકી હતી. પરંતુ મતદાન દરમિયાન સત્તાધારી પક્ષના કેટલાક ધારાસભ્યોએ પક્ષપલટો કરીને અથવા આંતરિક નારાજગીના કારણે NDA ના ઉમેદવાર પરિમલ નથવાનીની તરફેણમાં ક્રોસ વોટિંગ કરી દીધું, જેના લીધે આખી રમત પલટાઈ ગઈ.
મોક પોલ (Mock Poll) ની તમામ વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ
આ આંચકાથી બચવા માટે INDIA ગઠબંધને ચૂંટણીના એક દિવસ પહેલા જ તમામ ધારાસભ્યો સાથે એક ખાસ ‘મોક પોલ’ (ડમી મતદાન) નું આયોજન કર્યું હતું, જેથી મતદાનના દિવસે કોઈ મૂંઝવણ ન રહે. આ મોક પોલમાં JMM ના ઉમેદવાર બૈદ્યનાથ રામને 29 મત અને કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને 25 મત મળ્યા હતા.
આ કવાયત દ્વારા મહાગઠબંધનના નેતાઓએ પોતાના ધારાસભ્યોને સમજાવ્યું હતું કે બંને ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રાથમિકતાના આધારે કેવી રીતે વોટ આપવો. પરંતુ આ તમામ ટ્રેનિંગ અને મહેનત ધરીની ધરી જ રહી ગઈ કારણ કે વાસ્તવિક મતદાન વખતે ગઠબંધનની વ્યૂહરચના સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી. આ પરિણામો બાદ હવે ઝારખંડના રાજકારણમાં એક નવી ચર્ચા અને આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે. વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં INDIA ગઠબંધન પોતાની બીજી સીટ બચાવી શક્યું નથી, જ્યારે NDA એ મર્યાદિત સંખ્યાબળ વચ્ચે પણ મોટી રાજકીય લીડ મેળવી લીધી છે.



