રાજ્યસભામાં હાર બાદ INDIA ગઠબંધનમાં ભડકો

ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠકો માટે થયેલા રસાકસીભર્યા મતદાનના પરિણામો સામે આવ્યા બાદ હવે સત્તાધારી ગઠબંધન (INDIA Block) ની અંદર આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. બહુમતી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને મળેલી કારમી હારને કોંગ્રેસ પક્ષ પચાવી શક્યો નથી અને તેનો ગુસ્સો હવે ગઠબંધનના સાથી પક્ષો પર ફૂટ્યો છે. ઝારખંડ કોંગ્રેસના પ્રભારી કે. રાજુએ મીડિયા સમક્ષ ખુલ્લેઆમ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને વામપંથી (ડાબેરી) પક્ષો પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વોટ આપ્યો નથી. આ ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે કે ઝારખંડમાં સત્તા પર હોવા છતાં આ ગઠબંધન માત્ર નામનું છે અને અંદરથી સંપૂર્ણપણે વિખરાયેલું છે.

કોંગ્રેસ પ્રભારી કે. રાજુએ અત્યંત નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાને સહયોગી પક્ષો RJD અને ડાબેરી પક્ષો તરફથી જે અપેક્ષિત સમર્થન મળવું જોઈતું હતું, તે બિલકુલ મળ્યું નથી. આ ખરેખર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે સત્તાધારી ગઠબંધન સંસદીય ચૂંટણી જેવા મહત્વના તબક્કે એકજૂથ દેખાયું નથી. હું આ આખા ઘટનાક્રમ અને પરિણામથી સખત અસંતુષ્ટ અને નિરાશ છું. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મુખ્યમંત્રીની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM) તરફથી ચોક્કસપણે 4 વધારાના મતો કોંગ્રેસના ખાતામાં આવ્યા હતા, પરંતુ RJD અને ડાબેરી ધારાસભ્યોના સમર્થનના અભાવે અને ક્રોસ વોટિંગના કારણે કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ હારે ભવિષ્યના રાજકારણ અને ગઠબંધનની એકતા પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી દીધા છે.