કેનેડામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર કર્યો હુમલો

ટોરેન્ટોઃ કેનેડાના બ્રેમ્પટનમાં સ્થિત હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો હતો, જેનાથી લોકોમાં ભારે ગુસ્સો હતો. આ  હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ઝંડા હતા. તેમણે મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

બીજી તરફ કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ હિંદુ સમાજ પર વધતી હિંસા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિર પરિસરમાં ખાલિસ્તાની દ્વારા હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે, જે કેનેડામાં હિંસાના ઉદયને દર્શાવે છે.

તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે આજે કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી છે. બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરના પરિસરમાં હિન્દુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને બેશરમ બની ગયો છે.

તેમણે આગળ લખ્યું હતું કે મને લાગે છે કે આ અહેવાલોમાં થોડું સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત ખાલિસ્તાનીઓએ પણ અમારી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડાના અભિવ્યક્તિની સ્વતંત્રતાના કાયદાનો લાભ લઈ રહ્યા છે અને આ બધું કરવા માટે તેમને મફત પાસ મળી રહ્યા છે.

PM જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરતાં સોશિયલ મિડિયા પર કહ્યું હતું કે બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં આજે થયેલી હિંસા સ્વીકારી શકાય તેમ નથી. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીલ રીજનલ પોલીસ વડા નિશાન દુરૈપ્પાએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ અને હુમલાની ઘટના પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ટોરોન્ટો નજીક બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભારતવિરોધી તત્વોએ ‘ઈરાદાપૂર્વક’ હિંસા કરી હતી. અમે ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને અત્યંત ચિંતિત છીએ.