જોન્સન-એન્ડ-જોન્સન ટેલ્કવાળા બેબી પાવડરનું ઉત્પાદન બંધ કરશે

મુંબઈઃ અમેરિકાની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રી કંપની જોન્સન એન્ડ જોન્સન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે એનો ટેલ્ક-આધારિત જોન્સન બેબી પાવડર વેચવાનું 2023માં દુનિયાભરમાં બંધ કરશે અને એને બદલે કોર્નસ્ટાર્ચ આધારિત પાવડર બજારમાં લાવશે.

ટેલ્ક કુદરતી રીતે પ્રાપ્ત કરાતું એક ખનિજ તત્વ છે, જેને જમીનમાંથી કાઢવામાં આવે છે. એમાં મેગ્નેશિયમ, સિલિકોન, ઓક્સિજન અને હાઈડ્રોજન હોય છે. સૌંદર્યપ્રસાધનો તથા અન્ય પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં ટેલ્કનો ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ ભેજને શોષવા માટે કરવામાં આવે છે. પરંતુ, આ ટેલ્કથી કેન્સરની બીમારી થવાનું જોખમ રહે છે એવી અમેરિકા, કેનેડામાં હજારો કાનૂની ફરિયાદો કરવામાં આવી છે. જોકે જોન્સન એન્ડ જોન્સન કંપનીએ એ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને કહ્યું કે ટેલ્કવાળો બેબી પાવડર એકદમ સુરક્ષિત છે અને તેનાથી કેન્સર થતું નથી. તેમ છતાં મૂલ્યાંકન કર્યા પછી એણે નક્કી કર્યું છે કે તમામ બેબી પાવડરમાં એ ટેલ્કમ પાવડરને બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરશે.