ઇઝરાયેલનો હિજબુલ્લા પર પલટવારઃ લેબેનોનમાં 100નાં મોત

યેરુસલેમઃ ઈઝરાયેલ અને હિજબુલ્લા વચ્ચેના ” પ્રલયકારી યુદ્ધ”થી મધ્ય-પૂર્વમાં ભારે ભયનું વાતાવરણ સર્જાયું છે. ઈઝરાયેલી સેનાએ હિજબુલ્લા પર ભીષણ હુમલો કર્યો છે. એમાં ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયાં છે. જ્યારે 400 થી વધુ ઘાયલ થયા છે. આ હુમલામાં હિજબુલ્લાના 300થી વધુ સ્થાનો નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.

લેબનોનમાં પેજર બ્લાસ્ટ અને વોકી-ટોકી બ્લાસ્ટના બીજા જ દિવસે ઈઝરાયેલની સ્ટ્રાઈકથી ઉત્સાહિત હિજબુલ્લાએ રવિવાર અને સોમવારે યેરુસલેમ પર એવો જીવલેણ હુમલો કર્યો હતો.. ઉત્તરી અને દક્ષિણ ઇઝરાયેલ હિજબુલ્લાના ઉગ્ર વળતા હુમલાથી હચમચી ઊઠ્યું હતું. આ વિસ્ફોટો પછી લાગેલી આગમાં પત્તાંના મહેલની જેવી વિશાળ ઇમારતો બળી ગઈ હતી. તેનાથી નિરાશ થઈને ઈઝરાયેલની સેનાએ હવે હિજબુલ્લા પર સૌથી મોટો હુમલો કર્યો છે. આનાથી મધ્ય-પૂર્વના દેશોમાં હલચલ મચી ગઈ છે.

હિજબુલ્લા હુમલાના જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ લેબનોનમાં લોકોને તાત્કાલિક એવાં ઘરો અને ઇમારતો ખાલી કરવા કહ્યું છે જ્યાં હિજબુલ્લા આતંકવાદી જૂથે શસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. ઇઝરાયેલે કહ્યું હતું કે તેણે આતંકવાદી જૂથ સામે “વ્યાપક હુમલાઓ” શરૂ કર્યા છે. સરહદ પર લગભગ એક વર્ષ સુધી ચાલેલા સંઘર્ષ અને ખાસ કરીને રવિવારે ભારે ગોળીબાર બાદ આ પહેલી ચેતવણી આપવામાં આવી છે. હજી ઇઝરાયેલ હિજબુલ્લા પર ઘણા વધુ મોટા હુમલાઓ કરે એવી શક્યતા છે. હિજબુલ્લાએ તાજેતરના ઈઝરાયેલ હુમલામાં તેના એક ટોચના કમાન્ડર અને ઘણા લડવૈયાઓના મોત બાદ બદલો લેવા માટે ઈઝરાયેલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 100 થી વધુ રોકેટ, મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા.