ઈઝરાયલના પીએમનો ઘટસ્ફોટ, UNમાં દેખાડ્યા ઈરાનના ગુપ્ત પરમાણુ ભંડારના પુરાવા

ન્યૂયોર્ક- ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન પર આરોપ લગાવ્યો છે. નેતન્યાહૂએ કહ્યું છે કે, વિશ્વ શક્તિઓ સાથે વર્ષ 2015ના કરાર છતાં ઈઝરાયલની રાજધાની પાસે ઈરાન ગુપ્ત પરમાણુ ભંડાર રાખી રહ્યું છે. મહત્વનું છે કે, વિશ્વના શક્તિશાળી દેશો સાથે કરવામાં આવેલા કરારનો ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાનો હતો.બેન્જામિન નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓ સમક્ષ તહેરાન પાસેના એક વિસ્તારનું માનચિત્ર દેખાડ્યું હતું. અને કહ્યું કે, ઈરાની અધિકારીઓએ એક ગોડાઉનમાં મોટા જથ્થામાં પરમાણુ ઉપકરણ સહિત અન્ય સામગ્રી એકઠી કરી છે.

જોકે બેન્જામિન નેતન્યાહૂના આરોપોને ઈરાનની સરકારી મીડિયાએ નકારી કાઢ્યા છે. અને તેમને હાસ્યાસ્પદ અને ભ્રમ ઈઝરાયલનો ભ્રમ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલે ચાર મહિના અગાઉ જાહેરાત કરી હતી કે, તેની જાસુસી એજન્સીએ તહેરાન પાસે શૂરબાદમાં ઈરાનના પરમાણુ દસ્તાવેજ મેળવ્યા હતા. ત્યારબાદ નેતન્યાહૂએ આંતરરાષ્ટ્રીય સમુદાયના આ મોટા મંચ પરથી તેનો ઘટસ્ફોટ કર્યો હતો.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, આ જથ્થાનો ઘટસ્ફોટ થયા બાદ એ વાત સાબિત થઈ ગઈ છે કે, ઈરાનના નેતાઓએ પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં પહેલાં તેમનો હથિયાર કાર્યક્રમ છુપાવી રાખ્યો હતો.