નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાનની વચ્ચે ટેન્શન ઘણું વધી ગયું છે. ડેન્માર્કમાં ઇઝરાયેલની એમ્બેસી પાસે બે મોટા ધડાકા થયા છે. લોકો દહેશતમાં છે અને ભાગી રહ્યા છે. ઇરાને 200 મિસાઇલનો મારો કર્યો છે, એમ ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું. ઇઝરાયેલ હવે ઇરાનથી બદલો લેવાની વાત કરી રહ્યું છે. ઈઝરાયેલના PM બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું હતું કે ઇરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે, ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે.
તેમણે કહ્યું હતું કે ઇઝરાયેલ પરનો હુમલો “નિષ્ફળ” રહ્યો હતો. તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક છે, જેણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે.ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં લગભગ 200 મિસાઈલો છોડવામાં આવી હતી. ઇઝરાયલી સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેમણે તેમાંથી “મોટા ભાગની” મિસાઇલોને અટકાવી દીધી હતી. જોકે પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયલીઓ ઘાયલ થયા હતા.
વિસ્ફોટોનો અવાજ સમગ્ર ઈઝરાયલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી લાઇવ રિપોર્ટિંગ દરમિયાન રાજ્ય ટેલિવિઝનના પત્રકારો જમીન પર પડી ગયા હતા. મધ્ય ઇઝરાયલના ગેડેરામાં એક શાળામાં રોકેટ પડ્યું હતું. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. હોમ ફ્રન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રાફી મિલોએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી.હવે મોટી વાત એ છે કે અમેરિકા પણ હવે આ જંગમાં કૂદી ચૂક્યું છે. રાષ્ટ્રપતિ જો બાઇડને એલાન કર્યું હતું કે અમેરિકી સેના હવે ઇઝરાયેલને ઇરાની મિસાઇલોથી બચાવશે. મધ્ય પૂર્વમાં અમેરિકાનું સક્રિય થવાથી એક મોટા યુદ્ધમાં તબદિલ થઈ શકે છે.