નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે. પાકિસ્તાનમાં સેન્સિટિવ ઇન્ડેક્સ (SPI) 19 એપ્રિલે પૂરા થતા સપ્તાહમાં વાર્ષિક આધારે વધીને 47.23 ટકા થયો છે. એ ઇન્ડેક્સ ઓલ ટાઇમ હાઇ છે. મોંઘવારીને કારણે દેશની મોટી વસતિની ઈદ ઘણી ફિક્કી રહી છે.
પકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટસ્ટિક્સ (PBS) દ્વારા ડેટામાં કહેવામાં આવ્યું હતું કે ખાણીપીણીના માલસામાનના દરોમાં વધારાને કારણે SPI અત્યાર સુધીના મહત્તમ સ્તરે પહોંચી ગયો છે. SPI એક સાપ્તાહિક ઇન્ડેક્સ છે, જેનાથી દેશમાં મોંઘવારી દરને લઈ મહત્ત્વના સંકેત મળે છે.
SPIમાં પાકિસ્તાનની સાથે 17 દેશોનાં 50 બજારોની 51 જરૂરી ચીજવસ્તુઓની કિંમતોને મોનિટર કરવમાં આવે છે. રિપોર્ટ્સ કહે છે કે 29 ચીજવસ્તુઓની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આઠ વસ્તુઓની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 14 ચીજવસ્તુઓની કિંમતો સ્થિર રહી હતી.
પાકિસ્તાનમાં મોંઘવારી દર અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો હતો. ફૂડ બેવરેજીસ અને ટ્રાન્સપોર્ટેશનથી જોડાયેલા ખર્ચામાં વધારાને કારણે માર્ચમાં મોંઘવારી દર મહત્તમ સ્તરે પહોંચ્યો હતો.
પાકિસ્તાનની સરકાર ફ્યુઅલ અને પાવર ટેરિફમાં વધારો, સબસિડી પરત ખેંચવી, માર્કેટ બેઝ્ડ એક્સચેંજ રેટ અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પ્રોગ્રામ હેઠળ વધુ ટેક્સ લગાવવા જેવાં પગલાં ઉઠાવી રહી છે. જોકે દેશની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે અને આ વખતે લોકોની ઇદ પણ ફિક્કી રહી છે.