લંડન – ભારતમાં સંસદે પાસ કરી દીધેલા નાગરિકતા સુધારિત કાયદા (સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ – CAA) પર યુરોપીયન સંસદમાં આજે મતદાન થવાનું હતું, પરંતુ એને મુલતવી રાખવામાં આવ્યું છે.
આ મતદાન હવે માર્ચ મહિનામાં યુરોપીયન સંસદના સત્ર વખતે યોજવામાં આવશે. આ જાણકારી યુરોપીયન સંસદે એક નિવેદન બહાર પાડીને આપી છે.
યુરોપીયન સંસદના આ નિર્ણયને ભારત સરકાર માટે રાજદ્વારી જીત તરીકે ગણવામાં આવે છે.
યુરોપીયન સંસદે જોકે કહ્યું છે કે CAA પ્રસ્તાવ પર આ સંસદમાં ચર્ચા ચાલુ રાખવામાં આવશે.
કયા કારણસર CAA પર ગુરુવારનું મતદાન રદ કરવામાં આવ્યું છે તે હજી જાણી શકાયું નથી.
પરંતુ એટલું સિદ્ધ થયું છે કે યુરોપીયન સંસદમાં પાકિસ્તાન ઉપર ભારતે વિજય મેળવ્યો છે.
સાથોસાથ, ભારત સરકારે એમ પણ કહી દીધું છે કે CAA ભારતનો આંતરિક મામલો છે અને તેનો અમલ લોકતાંત્રિક રીતે કરવામાં આવ્યો છે.
ભારત સરકારના સૂત્રોએ કહ્યું કે, ભારત સરકારે કહ્યું છે કે એને આશા છે કે યુરોપીયન સંસદના સભ્યો CAA અંગે ભારતના વલણને સમજશે.
CAAની વિરુદ્ધમાં યુરોપીયન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાય એની સામે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જોરદાર રીતે વાંધો ઉઠાવ્યો છે. એમણે યુરોપીયન સંસદના વડાને કહ્યું હતું કે એક સંસદ કોઈ કાયદો પાસ કરે પછી એની પર બીજી કોઈ સંસદ ચુકાદો આપે એ યોગ્ય ન કહેવાય. કેટલીક વ્યક્તિઓ એનો દુરુપયોગ કરી શકે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ CAA સામે યુરોપીયન સંસદમાં પ્રસ્તાવ પર ચર્ચા કરાય અને મતદાન કરાય એનો વિરોધ કર્યો છે.