ચીનથી ભારતીયોને પાછા લાવવા એર ઈન્ડિયાનું વિમાન રવાના

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસના સંકટને લઈને ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે એર ઈન્ડિયાનું 423 સીટની વ્યવસ્થા ધરાવતું બી 747 વિમાન આજે વુહાન એરપોર્ટ માટે રવાના થયું. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર અને એક પેરામેડિક કર્મચારી વિમાનમાં સવાર થશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બી 747 વિમાન દિલ્હીથી બપોરે સાડા બાર વાગ્યે રવાના થયું છે. આ મુંબઈથી દિલ્હી આવ્યું છે. તેમણે જણાવ્યું કે વિમાનમાં એક પેરામેડિક કર્મચારી પણ હશે. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, વિમાનમાં કોઈ સેવા નહી આપવામાં આવે. જે પણ ખાદ્ય પદાર્થ હશે તે સીટ પોકેટમાં રાખવામાં આવેલા હશે. કોઈ સેવા નહી હોય તો (ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ વચ્ચે) કોઈ વાતચીત પણ નહી થાય. જાણીએ 10 મહત્વના મુદ્દા…

  1. એર ઈન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટર અશ્વની લોહાનીએ કહ્યું કે, ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ માટે માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે વિમાનના કર્મચારીઓ માટે સુરક્ષા કવચની પણ વ્યવસ્થા કરી છે. લોહાનીએ કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયના પાંચ ડોક્ટર્સ સાથે જઈ રહ્યા છે. વિમાન વુહાન એરપોર્ટ પર બે-ત્રણ કલાક માટે રોકાશે.
  2. સરકારે જણાવ્યું કે, વુહાનથી પાછા લાવવામાં આવી રહેલા ભારતીયોને દિલ્હી અને માનેસર આઈસોલેશન સેન્ટરમાં પણ રાખવામાં આવશે. જેથી એ સ્પષ્ટ થઈ શકે કે બીમારી ફેલાવાની કોઈ શક્યતા નથી.
  3. વિમાનમાં પાંચ ડોક્ટર અને એક પેરામેડિકલ સ્ટાફની ટીમ હશે. આમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા તૈયાર વિશેષ મેડિકલ કિટ પણ હશે, જેમાં હાથના મોજા, માસ્ક અને દવાઓનો સમાવેશ થાય છે.
  4. ડોક્ટરો અને વિમાનના કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, તેઓ વિમાનની બહાર નિકળવાનું ટાળે અને માત્ર જેને ચેપ ન હોય, તેવા જ લોકોને વિમાનમાં પ્રવેશવાની મંજૂરી આપે.
  5. વિમાનના કર્મચારીઓ- પાયલટ, એન્જિનિયર અને ડોક્ટર દેશમાં પરત આવ્યા બાદ એક સપ્તાહ સુધી આઈસોલેશનમાં રહેશે. જો કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો તેમને આઈસોલેશન વોર્ડમાં જાણકારી આપવાની રહેશે.
  6. દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં 5 વધારે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. દર્દીઓમાં ચાર પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. તમામ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તપાસ માટે તેમના સેમ્પલને NIV પુણે મોકલવામાં આવ્યા છે.
  7. સરકારે ચીનના હુબેઈ પ્રાંતમાં રહેનારા 600 ભારતીય લોકોને ત્યાંથી પાછા આવવાની તેમની ઈચ્છા માટે સંપર્ક કર્યો હતો. હુબેઈ પ્રાંતના વુહાનમાં આ પ્રકારના વાયરસથી સૌથી વધારે લોકો પ્રભાવિત છે.
  8. ચીનમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આજે 213 પર પહોંચી ગઈ છે. તો કુલ 9,692 કેસ નોંધાયા છે. આ પૈકી 5,806 કેસ હુબેઈ પ્રાંતના છે અને ત્યાં 204 લોકોના મોત થયા છે.