ન્યૂયોર્કઃ અમેરિકામાં રહેતા એક ભારતીયએ પોતાની ઈમાનદારીનું જે પ્રદર્શન કર્યું છે એનાથી તેની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે. આ ભારતીય પરિવારે તેની એક ગ્રાહકને 10 લાખ ડોલર અથવા લગભગ 7 કરોડ, 30 લાખ રૂપિયાની લોટરી ટિકિટ એને પરત કરી છે. આ લોટરી ટિકિટ ખરીદનાર એક અમેરિકન મહિલાએ તે નકામી છે એમ સમજીને તેને ફેંકી દીધી હતી. પરંતુ હવે એ મહિલા રાતોરાત કરોડપતિ બની ગઈ છે.
અમેરિકાના મેસેચ્યૂસેટ્સમાં લી રોઝ ફિએગા નામની અમેરિકી મહિલાએ માર્ચ, 2021માં લકી સ્ટોપ નામની દુકાનેથી લોટરીની ટિકિટ ખરીદી હતી. આ દુકાન સાઉથવિક મોહલ્લામાં રહેતા એક ભારતીય મૂળના પરિવારની છે. લી રોઝ ફિએગા અવારનવાર આ દુકાનેથી લોટરીની ટિકિટ ખરીદતા હતા. તેણે માર્ચમાં ખરીદેલી ટિકિટ પરનો નંબર ઉતાવળમાં બરાબર સ્ક્રેચ કર્યો નહોતો – ભૂંસ્યો નહોતો. ત્યારે એને એમ લાગ્યું હતું કે પોતાનો નંબર લાગ્યો નથી અને ટિકિટ નકામી થઈ ગઈ છે એમ સમજીને તેણે એ ફેંકી દીધી હતી. તે ટિકિટ બેકાર ટિકિટોની સાથે દસ દિવસ સુધી પડી રહી હતી. પરંતુ બાદમાં દુકાનના માલિક અભી શાહની નજર તે ટિકિટ પર પડી હતી. એણે જોયું તો એ ટિકિટને 10 લાખ ડોલરનું ઈનામ મળ્યું હતું.
એ ટિકિટ અભી શાહના માતા અરૂણાબેન શાહે વેચી હતી. એમને ખબર હતી કે આ ટિકિટ લેનાર લી રોઝ ફિએગા હતી, જે એમની નિયમિત ગ્રાહક હતી. તરત જ એમણે ફિએગાને ટિકિટ પરત કરવાનો નિર્ણય કર્યો હતો અને એને જાણ કરી હતી. ફિએગાએ બાદમાં કહ્યું કે, અભી શાહે મને જ્યારે આન જાણ કરી હતી ત્યારે મને માનવામાં જ નહોતું આવ્યું.