મલેશિયામાં ટ્રેન દુર્ઘટનામાં 200થી વધુ ઘાયલ

કુઆલા લમ્પુરઃ મલેશિયાના કુઆલા લમ્પુરમાં એક ટનલમાં બે લાઇટ ટ્રેનો ટકરાઈ ગઈ, જેમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 23 વર્ષ જૂની મેટ્રો પ્રણાલીની સૌથી મોટી દુર્ઘટના છે. સોમવારે રાત્રે થયેલી ટક્કરની સોશિયલ મિડિયા પર પ્રસારિત થયેલા ફોટાઓમાં લોહીથી લથબથ યાત્રીઓ દેખાઈ રહ્યા છે અને ચારે બાજુ કાચના ટુકડા વેરાયેલા હતા. ટ્રાન્સપોર્ટપ્રધાન વી કા યિયોંગે સ્થાનિક મિડિયાને જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેન દેશના સૌથી ઊંચા ટ્વીન ટાવરોમાં એક પેટ્રોનાસ ટાવર્સની પાસે ટનલની અંદર ટેસ્ટ માટે ચલાવવામાં આવેલી ખાલી ગાડીથી ટકરાઈ ગઈ હતી. આ ટ્રેનમાં 213 યાત્રીઓ સવાર હતા.

એક ટ્રેન 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી હતી અને બીજી ટ્રેન આશરે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી. જ્યારે બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ, ત્યારે ભીષણ આંચકાને કારણે કેટલાક યાત્રીઓ પોતાની સીટ પરથી પડી ગયા હતા, એમ તેમણે કહ્યું હતું. ફેડરલ ટેરીટરીના પ્રધાન અન્નુઆર મુસાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ત્રણ પેસેન્જરોની સ્થિતિ નાજુક છે, જ્યારે 40થી વધુ લોકોને ગંભીર ઈજા થઈ છે અને અન્ય 160 લોકોને સામાન્ય ઈજા થઈ હતી.

વડા પ્રધાન મુહિદ્દીન યાસિને આ ટ્રેન ટક્કર થવાના કારણની પૂરી તપાસ કરવાનું વચન આપ્યું છે. પોલીસે કહ્યું હતું કે તેમને શંકા છે કે ટ્રેનોના ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરમાંથી કંઈક ખોટી સૂચના આપવામાં આવી હતી. ખાલી ટ્રેન એક ચાલક ચલાવી રહ્યો હતો, પણ યાત્રીઓવાળી ટ્રેન સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત હતી અને એનું નિયંત્રણ કન્ટ્રોલ સેન્ટરમાંથી કરવામાં આવતું હતું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]